પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૃષ્ણ

લગ્ન નક્કી કર્યું. પણ રુકિમણીએ કૃષ્ણને જ વરવા મનથી નિશ્ચય કર્યો હતો, તેથી એણે પોતાનું હરણ કરી લઈ જવા કૃષ્ણને સન્દેશો મોકલ્યો. કૃષ્ણ તરત જ કુણ્ડિનપુર જવા નીકળ્યા. બળરામને ખબર પડી ત્યારે તે પણ સૈન્ય લઈ ભાઈની મદદે પાછળ ધાયા. વિવાહની પહેલાં, કુળાચાર પ્રમાણે રુક્મિણી કુળદેવીનાં દર્શન કરવા મન્દિરે ગઈ, ત્યાંથી સંકેત મુજબ કૃષ્ણે એને રથમાં બેસાડી લઈ ઘોડા દોડાવી મુક્યા. શિશુપાળ અને એના સહાયક રાજાઓ કૃષ્ણની પાછળ દોડ્યા. પણ એટલામાં બળરામ આવી પહોંચ્યા હતા. તેમણે એ રાજાઓને અટકાવી હરાવ્યા. માત્ર રુક્મી કૃષ્ણની પાછળ પડ્યો. એણે કૃષ્ણને નર્મદા કિનારે પકડી પાડ્યા અને યુદ્ધ માટે આહ્વાન કર્યું. એક બાજુ ભાઈ અને બીજી બાજુ પતિ હોવાથી બન્ને વિષે પ્રીતિવાળી રુક્મિણી ગભરાઈ ગઈ. પોતે તેમજ ભાઈ ઉભયનું રક્ષણ કરવા એણે કૃષ્ણને વિનંતી કરી. બે વચ્ચે લડાઈ ચાલી. રુક્મી ઘાયલ થયો. કૃષ્ણે એને એના જ રથમાં બાંધી પોતાનો રથ દ્વારિકા તરફ દોડાવ્યો. રુક્મી શરમનો માર્યો કુણ્ડિનપુર ગયો જ નહિ, પણ ત્યાં જ રાજ્ય સ્થાપીને રહ્યો. આ

૧૧૮