પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના

.

જીવનનએ ઉત્સવ ગણવામાં આપણને સુખ લાગશે. પણ જ્યારે છાંયડો જાય ત્યારે પણ એ ઉત્સવ રૂપે જ મનાય તો જ જીવનને ઉત્સવ કહેવો યથાર્થ ગણાય. જે ક્ષણે દુઃખ એ અનિષ્ટ લાગે તે ક્ષણે આપણો અધઃપાત છે. ભુક્તિ-ભોગ-મુક્તિને વિરોધી નથી; ભુક્તિ અને મુક્તિ બે સાધવાની લાલસા એ આ જીવનને ઉત્સવ માનવાનું પરિણામ છે.

માટે કૃષ્ણની ઉપાસના કૃષ્ણ જેવા થવાની આકાંક્ષાથી થવી જોઇયે. કૃષ્ણ જેવા ધર્મનિષ્ઠ, સત્યપ્રિય, અધર્મના વૈરી, અન્યાયના ઉચ્છેદક, શૂર પરાક્રમી, સાહસિક, ઉદાર બળવાન, બુદ્ધિમાન, વિદ્વાન, જ્ઞાની અને યોગી છતાં વાત્સલ્યપૂર્ણ, નિરાભિમાની, નિઃસ્વાર્થી, નિઃસ્પૃહી, સર્વને સમાનતાનો હક આપનાર, અત્યંત શરમાળ માણસને પણ નિઃસંકોચ કરનાર, ગરીબના-દુઃખીયાના-શરણાગતના બેલી, પાપીને પણ સુધારવાની આશા પ્રગટાવનાર, અધમને પણ ઉદ્ધારનાર, દરેકની પ્રકૃતિનું માપ લઇ તે પ્રમાણે તેની ઉન્નતિનો ક્રમ યોજનાર, બાળક જેવા અકૃત્રિમ-આવું આપણું ચરિત્ર હોય તો જ આપણી કૃષ્ણોપાસના સાચી. ભૂતમાત્રને માટે નિ઼સીમ કરુણા, પ્રેમ, દયા, ધર્મકર્મ કરવાની સદૈવ તત્પરતા,
૧૭૯