પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
183
 

કરે છે, અને શોક્યને નાની બહેન ગણી સંભાળે છે.

એક દિવસ ચાંદવિનોદ પીંજરું લઈને બાજ પક્ષીને શિકારે ચાલ્યો. ચાલતો ચાલતો ઘોર જંગલમાં નીકળી ગયો. લપાઈને બેઠો છે. ત્યાં એને કાળા નાગે ચટકાવ્યો. પલકમાં તો ઝેર તાળવા સુધી ચડી ગયું.

ઉઈરા જાઓ રે પશુ પાખી કઈઓ માએર આગે;
આમિ બિનોદ મારા ગેલામ એઈ જંગલાર માઝે.

[ઊડી જાઓ, વનનાં પશુપંખી ! અને મારી માને જઈને કહો કે ચાંદવિનોદ આ જંગલમાં મરી ગયો.]

સમી સાંજે વટેમાર્ગુઓએ માતાને જાણ કરી. સગાંવહાલાં ચાંદના શબ માથે જઈને રોવા લાગ્યાં. ફક્ત મલુવા જ હિમ્મત કરીને બોલી : “ન રડો, ન રડો, ઓ ભાઈ ! પ્રથમ પરીક્ષા તો કરાવીએ કે એની નાડમાં પ્રાણ છે કે નહિ !”

કાંઠે મનવેગી-પવનવેગી નૌકા ઊભી છે : મરેલા ધણીનું માથું ખોળામાં લઈને મલ્લુ નૌકામાં બેઠી. પાંચેય ભાઈઓ હલેસાં મારવા લાગ્યા. ગારુડી વૈદના ગામનો પંથ સાત દિવસનો હતો, તેને બદલે મલુવા એક જ દિવસમાં પહોંચી.

ગારુડી વૈદે મડદાનાં નાક-મોં તપાસી માથા પર થાપટ દીધી. વિષ કમ્મર સુધી ઊતરી ગયું. કમ્મરથી ગોઠણ સુધી ઊતર્યું. ગોઠણથી ઊતરીને વિષ પગના અંગૂઠામાં ગયું. અને પાતાળમાંથી કાળા નાગે આવીને અંગૂઠેથી ઝેર ચૂસી લીધું.

ચાંદવિનોદે આંખો ઉઘાડી.

ધણીને જીવતો કરીને મલ્લુ ઘેર આવી. ગામમાં તો જેજેકાર ઊઠ્યો. લોકોએ પોકાર કર્યો કે “અરે ભાઈ ! આ બેહુલાના અવતાર સમી સતીને ન્યાતબહાર રખાય ? એને ન્યાતમાં લઈ લ્યો. એના હાથમાં છાણવાસીદાં ન હોય !”

વિનોદનો મામો ન્યાતનો પટેલ હતો : એણે જવાબ દીધો : “જે કોઈ મલ્લુ વહુને ઘરમાં ઘાલશે, એ ન્યાતબહાર !”