લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
204
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


પાળિયા-ખાંભી

ગામડાંના પાદરોમાં પથ્થરમાં કોતરેલાં મૃત્યુ-સ્મારકો જોવા મળે છે. તેમાં ઘોડેસવાર, પગપાળો, ઊંટ-સવાર, રથ-સવાર વગેરેનાં શિલ્પો કંડારેલાં હોય. કોઈમાં કાટખૂણા જેવો હાથનો પંજો કે કોઈ સ્ત્રી મૃત માનવીને બે હાથમાં ઉપાડીને લઈ જતી હોય. આ બધાને સામાન્ય રીતે પાળિયા કે ખાંભી કહીએ છીએ. પણ, આ મૃત્ય-સ્મારકોમાં વિવિધ ભેદો છે. જેમ કે, ગામનું કે અબળાનું રક્ષણ કરતાં મૃત્યુ પામેલા શૂરવીરના સ્મારકને પાળિયો કહેવાય. યુવાન, સાજોનારો માણસ અકસ્માતથી, સર્પદંશથી કે આપઘાતથી મર્યો હોય તેના મારકને સુરધન કહે. કોઈ રાજા કે શ્રેષ્ઠી ગોચર માટે જમીન આપે કે બ્રાહ્મણને દાન આપે તેના માટેના લખાણવાળી શિલા ખંભ કે ખાંભી કહેવાય. ગામ બચાવવા કોઈ વીરાંગની ખપી ગઈ હોય તેનો પાળિયો, પતિની પાછળ સતી થાય તેની ખાંભી, આપઘાતથી મરેલી સ્ત્રીની શિકોતરની ખાંભી. મૃત્ય-સ્મારકના આવા બાવીસેક પ્રકારો છે: પાળિયા, ખાંભી, શૂરાપૂરા, કેશ, પાવળિયા, દેવલા વગેરે. (ખોડીદાસ પરમાર).

રૂઢિપ્રયોગો

અઢારે આલમ ટાંપીને બેઠી હતી : સમગ્ર પ્રજા રાહ જોઈ રહી હતી.
અથર્યા થયા સિવાય : જરાય અધીરા થયા વિના
અર્ધે માથે કપાળ : ભાગ્યશાળી, આભકપાળો
અંગૂઠો દાબીને : સૂતેલ સ્ત્રી-પુરુષને જગાડવાં હોય તો તેને ઢંઢોળીને નહિ પણ જમણા પગનો અંગૂઠો પકડીને જગાડાય છે.
અંતરમાં ટાઢો શેરડો પડી જવો : હૃદયમાં સંતોષ કે શાંતિની શીતળ લાગણી થવી
‘આ કાયા તારે કણે બંધાણી છે’: તારા દીધેલા અન્નથી શરીર પોષાયું છે

આઉ મેલવું : પશુઓને જેમ જેમ સગર્ભાવસ્થાના મહિના વધે તેમ તેમ આઉનો ભાગ પ્રગટ થતો જાય છે.
આકડે મધ : સુલભ્ય કીમતી વસ્તુ (મધ હંમેશાં ઝાડની ઊંચી ડાળે હોઈ મુશ્કેલીથી મેળવી શકાય. પણ આકડાની ડાળે હોય તો તે સુલભ્ય થઈ શકે, આકડાનું ઝાડ નાનું હોય છે.)
આજના જેવી કાલ્ય નૈ ઊગે : ભવિષ્ય વધુ અનિષ્ટમય થશે.
આડી જીભ વાળવી : વિરુદ્ધ મત આપીને વિઘ્ન નાખવું – વાતને તોડી નાખવી.
આડી હોવી : ટેક હોવી
આડું આવવું : સ્ત્રીને પ્રસવ થતી વખતે બાળક આડું આવે છે તે