પૃષ્ઠ:Rasik Vallabh - 1890 Edition.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૩)
રસિકવલ્લભ


ઢાળ.

મન ક્રોધ ઉપજે એવું અવળું પૂછવું પડશે ખરૂં;
તે વિના ભ્રમ ભાગે નહીં, માટે પ્રથમ વિનતિ કરૂં.
મેં સંગ કર્મઠ બહુ કર્યા, સંન્યાસી યોગી અત્ય;
તેથી તમારા વચનમાં, સંશય રહે કહું સત્ય.[૧]
આપે કથા અદ્‌ભૂત કહી, મેં શ્રવણ કીધી સાર;
તે તદ્યપિ ઉરમાં નવ ઠરી, ત્યાં સંશય સભર વિકાર.[૨]
જ્યાં લગી સંશય ત્યાં લગી, પ્રભુ સફળ થાય ન ધર્મ;
તે માટે નિઃસંદેહ થાવું શ્રીગીતા ભાખ્યો મર્મ. [૩]
ઉપદેશ માત્રજ આપથી, પામ્યો પૂર્વ ગુરૂરાય;
સમજ્યો ન સ્વસિદ્ધાંત પૂરૂં જે ન કહ્યું ચિત્ત જાય. [૪]
દયાપ્રીતમ દાસ ના સંગ, (જે) સિદ્ધાંત સમજું સત્ય,
એવી દશામાં તીર્થ કરવા ગયો * કાચી મત્ય. [૫] [૬]


  1. ૪. કર્મઠ–કર્મવાદી–યજ્ઞયાગાદિકમાંજ પરમાર્થ માનનાર. અત્ય-અતિ.
  2. પ. સંશય ઈ૦–કેમકે ત્યા સંશય રૂપી વિકાર સભર ભરેલા છે.
  3. ૬. શ્રીગીતા ભાખ્યો મર્મ– अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति ।
    नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः ॥४-४०॥
    (ભ૦ ગી૦ અ૦ ૪),
  4. ૭. પૂર્વ–પૂર્વે સ્વસિદ્ધાંત–વલ્લભી સંપ્રદાયનો સિદ્ધાંત. જે ઈ૦– જે ન કહ્યું ત્યા મારૂ ચિત્ત જાય કેમકે હું સિદ્ધાંત સમજ્યો નહોતો.
  5. ૮ દયાપ્રીતમ ઈ૦— દયારામના પ્રીતમ (કૃષ્ણ)ના દાસનો પણ મને સંગ નહોતો કે જેથી સત્ય સિદ્ધાંત હું સમજી શકું. એવી દશાના કાચી મતિનો હું તીર્થ કરવા ગયો.
  6. * આ પદના છેલ્લા ચરણથી તેમ હવે પછી જે પદ આવશે તેના સંદર્ભ પરથી અનુમાન થાય છે કે દયારામે આ ગંથ પોતાના વીતક તરીકે લખ્યો છે અને તેમા શિષ્યને સ્થાને દયારામ પાતે આરોપિત થયા છે.