પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૭
હમીરમાતા ને હમીરપત્ની



હમીરનું મોસાળ હતું, તેનું નામ કેલવાડા, રજપૂતાનાના પહાડી પ્રદેશમાં ભીલ નામની કાળા રંગની એક અનાર્ય જાતિ વાસ કરે છે. ભીલ લોકો સાહસ અને રણકૌશલ્યને માટે પ્રખ્યાત છે. ભીલ સરદારો મૂળથી રજપૂત રાજાઓની ઘણી વિશ્વાસુ અને વફાદાર પ્રજા છે. યુદ્ધ અને વિપત્તિમાં હમેશાં તેઓ રાજાને મદદ કરતા આવ્યા છે. આ કેલવાડા પ્રાંતમાં પણ ઘણા ભીલ સરદારો વસતા હતા. એ બધા ભીલો હમીરને રાણાનો વંશજ ગણીને ખૂબ માન આપતા હતા.

વાચકોને સ્મરણ હશે કે, અલાઉદ્દીનની સાથે છેવટના યુદ્ધ વખતે રાણા લક્ષ્મણસિંહે પોતાના એકના એક પુત્ર અજયસિંહને બીજે કંઈ મોકલાવી દઈ, તેને બદલે પોતે રણક્ષેત્રમાં પ્રાણ વિસર્જન કરીને ચિતોડની અધિષ્ઠાત્રી દેવીનો હુકમ પાળ્યો હતો. એ અજયસિંહે પણ કેલવાડા પ્રદેશમાં વાસ કર્યો હતો. કેટલાક પહાડી રજપૂત સરદારોએ તેની સાથે ટંટો કર્યો. એ લડાઈમાં અજયસિંહના બે પુત્ર આજિમસિંહ અને સુજનસિંહે તેને વિશેષ મદદ કરી નહિ, પણ તેના ભત્રીજા હમીરે શત્રુઓનું દમન કરીને તેમને સંતુષ્ટ કર્યા. તેના મુખ્ય શત્રુ મુંજ નામના સરદારનું મસ્તક કાપીને જ્યારે હમીર અજયસિંહની પાસે લઈ ગયો, ત્યારે તેણે મુંજના કપાયલા મસ્તકના લેાહીથી હમીરના કપાળમાં રાજતિલક કરીને હમીરનેજ રાણાવંશનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

ચિતોડ અને મેવાડની સમતલ ભૂમિ એ વખતે અલાઉદ્દીનના તાબામાં હતી. અલાઉદ્દીનના તાબામાં માલદેવ નામનો એક રજપૂત રાજા એ વખતે મેવાડ ઉપર રાજ્ય કરતો હતો; પણ હમીરે રાણાનો ખિતાબ ધારણ કરીને કેલવાડા અને તેની પાસેના પહાડી મુલકોમાં ભીલ સરદારોની મદદથી પોતાનું રાજ્ય વિસ્તારવા માંડ્યું; એટલા માટે માલદેવ અને હમીરની વચ્ચે ઘણી દુશ્મનાવટ ઉપન્ન થઈ.

પરંતુ આટલી શત્રુતા હોવા છતાં પણ માલદેએ પોતાની કન્યા હમીરને પરણાવવાની ઈચ્છા કરી. એ ઉદ્દેશથી તેણે હમીરની પાસે વિવાહના માગા સાથે નાળિયેર મોકલ્યું. હમીરના સ્નેહીઓએ નાળિયેર સ્વીકારવાની ઘણીએ ના કહી; છતાં હમીરે એનો સ્વીકાર કરીને કહ્યું: “આફત તો રાણાવંશીઓની હમેશની સાથી છે. તો પછી એનો ભય શો ? એક ક્ષણ માટે પણ