પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૮
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


ધીમેથી સ્વામીના મસ્તકને પોતાના ખોળામાં મૂકીને તારાબાઈ મૃત સ્વામીને બોલાવવા લાગી: “પ્રભુ ! સ્વામિ ! તમે વીર હતા. યુદ્ધ એ તમારા જીવનનું પવિત્ર વ્રત હતું, યુદ્ધમાં મૃત્યુ થાય એ વીરોની શ્રેષ્ઠ ગતિ છે. યુદ્ધમાં આપની સાથે શત્રુઓને મારતાં મારતાં મરી જવાની મારી ઇચ્છા હતી અને એમ નથી બન્યું, તો ચિતામાં તમારી સાથે બળી મરીને સતી થવા પણ તૈયાર છું, પણ મને આજ ઘણી દિલગીરી એટલા માટે થાય છે કે, સ્વપ્ને પણ ન ધારેલી એવી હલકી રીતે તમારૂં મોત થયું છે. શત્રુઓના લોહીથી રંગાયલા તમારા દેહની સાથે ચિતામાં પ્રવેશ કરવાનો લાભ મને નથી મળ્યો, એજ મને દુઃખ છે; પણ વિધાતાની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈથી થાય એમ નથી. આજ આ દેવમંદિરની સામે જ તમારી આ દાસીનો દેહ પણ તમારા પવિત્ર દેહની સાથેજ ચિતામાં ભસ્મીભૂત થઈ જશે. પ્રાણ નાથ ! દેવલોકમાં આપણો મેળાપ થશે.”

તરતજ ચિતા સળગાવવામાં આવી. સ્વામીના દેહને છાતી ઉપર ધારણ કરીને હસતે મોંએ વીરાંગના તારાબાઇ ચિતામાં સૂઈ ગઈ, જોતજોતામાં તેનો સુંદર દેહ બળીને રાખ થઈ ગયો.

१५७–माह–मालिक

સન્નારી અલાઉદ્દીન જાન સોજની દૌહિત્રી હતી. એનું લાડકું નામ જલાલ-ઉદ્-દુનિયાએ-ઉદ્દીન હતું. એ ઘણી વિદ્વાન હતી અને પોતાના જમાનામાં એક વિદુષી સ્ત્રી તરીકે ઘણી પ્રસિદ્ધિ પામી હતી, ‘તબકાત-ઈ-નાસિરી’નો ગ્રંથકાર મિનહાજ તેનાજ આશ્રય નીચે ઊછર્યો હતો અને ભણીગણીને મોટો થયો હતો. મિનહાજે પોતાના ગ્રંથમાં બેગમના ઉચ્ચ ગુણની પ્રશંસા કરી છે.

માહ-માલિકના હસ્તાક્ષર મોતીના દાણા જેવા હતા.