પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


લીન થઈ જઈને રુદન કરવા લાગ્યા. એમ કહેવાય છે કે, સ્તુતિ સંપૂર્ણ થતાંવા૨જ શ્રી ભગવાનની કૃપાથી પદ્મિનીનાં નેત્ર ઊઘડ્યાં અને ઊંઘમાંથી ઉઠનારા મનુષ્યની પેઠે આળસ મરડીને એ ઊભી થઈ તથા કહેવા લાગીઃ “અહો ! આજ તો હું ખૂબ ઊંઘી.” તેને સાજી થયેલી જોઇને બધાને ઘણોજ આનંદ થયો, આખા શહેરમાં પદ્મિનીના સતીત્વ અને પાતિવ્રત્યાની ઘણી પ્રશંસા થવા લાગી અને લોકો તેને દેવી તરીકે પૂજવા લાગ્યા.

१२८–पृथा

વીર પૃથ્વીરાજની બહેન અને મેવાડના રાણા સમરસિંહની રાણી હતી. પિતાને ઘેર એને યોગ્ય શિક્ષણ મળ્યું હતું. પૃથ્વીરાજનો તેના ઉપર વિશેષ પ્રેમ હતો. આદર્શ ક્ષત્રિયાણીને છાજે એવા બધા ગુણેથી એ વિભૂષિત હતી. તેમાં વળી અમરસિંહ જેવાં પુણ્યાત્મા અને રાજનીતિવિશારદ પતિ પ્રાપ્ત થવાથી એના સદ્‌ગુણ વિશેષ ખીલી નીકળ્યા હતા. પતિને તથા ભાઈને રાજનીતિના કૂટ પ્રશ્નોમાં એ સલાહ આપતી.

શાહબુદ્દીન સાથેના યુદ્ધમાં પૃથ્વીરાજને સહાયતા કરવા સારૂ રાણા સમરસિંહ દિલ્હી ગયા, ત્યારે પૃથા પણ સાથે ગઈ હતી અને પતિ તથા બંધુને યોગ્ય વચનોથી પ્રોત્સાહિત કર્યા હતા. મુસલમાનની સાથેના એ ભીષણ યુદ્ધમાં પૃથ્વીરાજની સાથે રાણા સમરસિંહ પણ મરણ પામ્યા, એ સમાચાર સાંભળતાંજ વીરાંગના પૃથા યુદ્ધભૂમિમાં પહોંચી હતી અને પતિના શબને ખોળી કાઢી, અને પોતાના ખોળામાં લઈ ચિતા સળગાવી, ભસ્મીભૂત થઈ ગઈ હતી.