પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે
૨૬૧
 


પાઠો શીખતા; અને વિદ્યાર્થી અવસ્થા પછીના જીવનની સામગ્રી અને ભાથું પૂરતા પ્રમાણમાં સાથે લઈને જતા.”[૧]

ચરોતર પ્રદેશમાં કેળવણી, સમાજસેવા ને સંસારસુધારાની જે કોઈ જાહેર પ્રવૃત્તિઓ છેલ્લાં ૨૫ વર્ષ થયાં ચાલે છે, તે બધાંનાં મૂળ આ રામજી મંદિરની જગામાં આવેલા સરસ્વતીમંદિરમાં જ મળી આવે છે. ‘આ મંદિરમાં ભણેલા વિદ્યાર્થીઓમાંથી ઘણા રાજકીય નેતાઓ, સંસારસુધારકો, સમાજસેવકો, કેળવણીકારો, ડોક્ટરો, વેપારીઓ, એન્જિનિયરો, વકીલો અને સરકારી અમલદારો પણ નીપજ્યા છે.[૨] પેલા ‘થર્ટી–ફાઈવ’ની સંખ્યામાં આજના જાણીતા લોકસેવકો સરદાર વલ્લભભાઈ અને શ્રી. મોતીભાઈ અમીનનો પણ સમાવેશ થઈ જાય છે, એ હકીકત ‘ચરોતર બોર્ડિંગ’ના ઈતિહાસમાં અતિશય હર્ષ અને ગૌરવ ઉપજાવે તેવી છે.

અમીનસાહેબ જ્યારે કોલેજજીવન પૂરૂં કરી સેવાના અભિલાષો સેવતા જીવન–વ્યવસાયમાં પડ્યા હતા, ત્યારે લોકમાન્ય ટિળકનો કર્મસંન્યાસવાળો સેવાધર્મ મહારાષ્ટ્રના સીમાડા ઓળંગી હિંદભરમાં વ્યાપક થતો હતો, ને ગુજરાતના સંસ્કારી યુવાનોને પણ સ્વદેશભાવનાથી રંગી દેતો હતો. બંગભંગ વખતની સ્વદેશી ધર્મની પ્રબળ પ્રવૃત્તિ હજુ આવવાની હતી; અને ગાંધીયુગની તો ઉષા પણ નહોતી ફૂટી. ત્યારે પણ રાષ્ટ્રધર્મનાં ઉત્તમ બીજ યુવાન ગુજરાતના ફળદ્રુપ પ્રદેશમાં રોપા રૂપે પ્રગટી ઉઠ્યાં અને પુષ્પ તથા ફળની ચોક્કસ આગાહી આપતાં થયાં.


  1. ૧. જુઓ ‘ચરોતર’ માસિક વર્ષ ૧, અંક ૧૧, પૃ. ૩૯૬
  2. ૨. જુઓ ‘ચરોતર’ વર્ષ ૭, અંક ૧, પૃ. ૧૪