પૃષ્ઠ:SahityaNe OvareThi.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સાહિત્યને ઓવારેથી
 


સાથે વૃત્તિપ્રભાકર અને વેદાન્તના અન્ય ગ્રંંથો વાંચ્યા. પણ ભાગ્ય તેમને અન્ય દિશામાં દોરતું હતું; અને પિતાની ઈચ્છાને માન આપી એમ. એ. થવાનું સ્વપ્ન જતું કરી ટૂંક સમયમાં જ તેમણે મહેસૂલી ખાતામાં કારકૂન તરીકે માસિક રૂા. ૨૦)ના પગારથી સરકારી નોકરી સ્વીકારી. રાજ્યતંત્ર સાથે રમત ખેલનાર આ નરે પછી કાળક્રમે રેવન્યુ, ન્યાય, સુધરાઈને સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રમાં એવી તો જ્વલંત સેવા કરી કે તેમના સમાગમમાં આવનારા સર્વ અમલદારોએ તેમનાં મુક્તકંઠે વખાણ કર્યાં છે. કિસ્મતના કૃપાપાત્ર જનના કૂદકા અહીં નોંધવા તે અસ્થાને છે. તેમની ‘સર્વિસ બુક’ તેમની કુનેહ, ખબરદારી, ખંત ને બુદ્ધિમત્તા આદિ વિશિષ્ટ ગુણોની સળંગ નોંધપોથી જ ન હોયની ! આ તીક્ષ્ણ, ચપળને ઉદ્યોગી નરનું સમગ્ર નિરીક્ષણ કરવામાં કદાચ બેધ્યાન બની ઓવારા ઉપરથી લપસી જવાય, માટે સાહિત્યની દૃષ્ટિએ જ તેમને નિરખી આપણે સંતોષ માનીશું.

“રેવન્યુ ખાતુંજ એવું છે કે ભલભલો સરસ્વતી દેવીનો ઉપાસક તેની આરાધના અને સેવામાં શિથિલ થઈ જાય; એટલી બધી તે નોકરી વ્યવસાયી, શ્રમભરી અને વ્યગ્રતા કરનારી છે.” મ્યુનિસિપાલિટી અને લોકલબોર્ડ પણ અત્યંત શ્રમ અને ઉદ્યોગની અપેક્ષા રાખે છે. આ બધી પ્રવૃત્તિમાંથી પણ નર્મદાશંકરભાઈ વખત ચોરી અધ્યયનપરાયણ રહી સાહિત્યસેવા કરી શક્યા, તે ગૌરવભરી બીના છે.

મહેસૂલી અમલદાર તરીકે ગામડાંની મુલાકાતો લેવી, અજ્ઞાન લોકો સાથે પ્રસંગો પાડવા, તેમની યોગ્ય અયોગ્ય ફરિયાદો સાંભળવી, ને રેવન્યુખાતામાં અનુભવાતા પ્રપંચો ગડમથલો ને ચિંતાઓને મહાત કરી સ્વાધ્યાયનો પ્રવાહ