પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



ભક્તિમાર્ગ

માનવજીવનમાં ભક્તિ અને ભક્તિગીતોએ ભારે અસર ઉપજાવી છે, હિન્દમાં તો એ અસર ખાસ દેખાઈ આવે છે. મોહન–જો–ડેરોની લિપિ ઉકેલે ત્યારે તેના સાહિત્યની ખબર પડે, છતાં ત્યાંથી મળી આવેલા અવશેષો ભક્તનાં ચિહ્‌નો તે બતાવે છે. વેદકાળથી શરૂ કરી હિંદના છેલ્લામાં છેલ્લા કવિ સુધી એ ભકિતગીતોનો પ્રવાહ સતત વહેતો જ રહ્યો છે, એ આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ.

ભક્તિ એ એક આધારભૂત શર્ત માગે છે: અદૃષ્ટ પ્રત્યે પૂજ્યભાવે અને શ્રદ્ધા. કેટલાક વૈજ્ઞાનિકો અને બુદ્ધિવાદીઓ અદૃષ્ટમાં ન માને. તેમને માટે ભક્તિમાર્ગ નિષ્ફળ લાગે ખરો; છતાં મોટા ભાગના વૈજ્ઞાનિકો આસ્તિક હોય છે. અને જન્મ, જીવન તથા મૃત્યુ, બુદ્ધિપ્રેરિત નહિ તો પણ, કોઈ બુદ્ધિરહિત અદૃષ્ટ તો માનવીની આસપાસ સતત વીંટળાયેલું તત્ત્વ છે જ – માનીએ કે ન માનીએ તો પણ.

પૂજ્ય ભાવ અને શ્રદ્ધાનું મધ્યબિંદુ બનેલું અદૃષ્ટ એટલે ઈશ્વર એમ કહીએ તો ચાલે. સર્વ ધર્મ ઈશ્વરને તો માને છે, પછી ભલે જૈન ધર્મની માફક ઈશ્વરના જગતકર્તૃત્ત્વ વિષે કોઈ ધર્મપ્રણાલિકામાં શ્રદ્ધા ન પણ હોય. મોટે ભાગે ઈશ્વરની માન્યતા ઈશ્વરમાં સર્વ શક્તિમાનપણું કલ્પે છે અને ઈશ્વરનાં અનેક સ્વરૂપની ભાવના ઉપજાવે છે. પથ્થર, વૃક્ષ, જાનવર, કુદરતનાં વિવિધ સ્વરૂપ, કોઈ વિશિષ્ટતા ધરાવતો માનવી–એમાંથી આગળ વધી કોઈ મહારાજા, કોઈ મહાન પિતા-patriarch, કોઈ મહાન માતા, સ્વર્ગારૂઢ દેવ અગર સર્વવ્યાપક અરૂપ શક્તિ સુધી ઈશ્વર સંબંધી માનવભાવના પહોંચી ગઈ છે.

આ ઈશ્વર પ્રત્યેની ઊર્મિમય અભિમુખતાને આપણે ભક્તિ કહી શકીએ. પ્રત્યેક ધર્મમાં ઈશ્વરની અભિમુખતા સાધવાના ત્રણ માર્ગ હોય (૧) કર્મ (૨) ઉપાસના-ભક્તિ (૩) જ્ઞાન. એ ત્રણનો સમન્વય સાધવાનો પણ સુંદર પ્રયત્ન ધર્મમાં થયે જાય છે, અને