પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪ : સાહિત્ય અને ચિંતન
 

મહમદ પયગમ્બર સાહેબનું જીવન એ ઈસ્લામનું આચારકેન્દ્ર હોય તો એ જીવનમાં ઝનૂન નહીં, પરંતુ દયા અને શાન્તિ, જડતા અને અણસમજ નહિ પરન્તુ ઝીણામાં ઝીણી બાબતની કાળજી, સૂક્ષ્મતા ભર્યો વિવેક અને સામાની મુશ્કેલી સમજવાની પૂરી તૈયારી. અને અસહિષ્ણુતા નહીં પરંતુ ખ્રિસ્તી તથા યહૂદીઓ પ્રત્યેની ભવ્ય ઉદારતા અને વિરોધીઓ પ્રત્યેની ક્ષમા જ નજરે પડે છે.

ઈસ્લામનો સાંસ્કૃતિક ઈતિહાસ પણ માનવતાભર્યો, રસમય અને બુદ્ધિપ્રેરક છે. યુરોપના જડ ખ્રિસ્તીઓ ગ્રીસની સંસ્કૃતિ ભૂલ્યા હતા. ગ્રીક ફિલસૂફીને સાચવી રાખનાર અને વર્તમાન યુરોપની બુધિજન્ય પ્રવૃત્તિને વેગ આપનાર ઈસ્લામ સિવાય બીજુ કોઈ ન હતું !

આજની વૈજ્ઞાનિક પ્રગતિ પ્રત્યે સહુ કોઈ આશ્ચર્યની નજરે નિહાળે એ સ્વાભાવિક છે. વિજ્ઞાનને અત્યંત ઉપયોગી નીવડેલું બીજગણિત-અક્ષર ગણિત આજ ઝીણામાં ઝીણા અણુને અને વિરાટમાં વિરાટ બ્રહ્માન્ડને ઓળખવામાં સહાયભૂત બને છે. પશ્ચિમના વિજ્ઞાનને બીજગણિતની ભેટ આપનાર બીજું કોઈ નહિ; પણ ઈસ્લામ ! ઈસ્લામની ધર્મભાષા અરબીની પૂર્ણ છાપસહ એ બીજગણિત સારાયે યુરોપની ભાષામાં એલજીબ્રાને નામે સ્વીકાર પામી ચૂકયું છે.

અરબી તુર્કી, મીસરી સાહિત્ય કેવું છે તેનું પ્રત્યક્ષ જ્ઞાન આપણને ન હોય એ સંભવિત છે. પરંતુ ઈરાનની ફારસી ભાષાને તો હિન્દને બહુ જ પરિચય છે. એ ફારસી ભાષામાં, ફારસી કહાણીઓમાં, ફારસી કાવ્યરચનામાં પ્રગટ થયેલું ઈસ્લામનું સ્વરૂપ બહુ જ કલાપૂર્ણ, અત્યંત નાજુક ભાવથી સમૃદ્ધ શબ્દ – અર્થના અલંકારથી ભરપૂર અને ઊંડામાં ઊંડી માનવ લાગણીઓથી જણ જણી રહેલું છે. ઉર્દુ એ ફારસીનું હિંદી સ્વરૂપ છે.

ઈસ્લામનું આધ્યાત્મ – આત્મશાસ્ત્ર તે સૂફીવાદ હિન્દુઓના વેદાન્તનું જ એક સ્વરૂપ, 'અહં બ્રહ્માસ્મિ' એટલે જ 'અનલહક' !

આમ ગ્રીક ફિલસૂફીને પોતાની બનાવનાર, બીજગણિત યુરોપને બક્ષીસ આપનાર, ફારસીમાં એક જગતમાન્ય સાહિત્ય ઉપજાવનાર અને અધ્યાત્મમાં સૂફીવાદ સ્વરૂપે ચિંતનની ઊંચામાં