પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



વાતચીતની કલા


વાતચીતની કલા! વાતચીતમાં કલા શી ? એમાં તે કલા હોઈ શકે ખરી ?બે માણસ, ચાર માણસ, છ માણસ ભેગાં બેસી કામકાજ અંગે અથવા નવરાશનો સમય વિતાવવા અરસપરસ બોલે તે વાત ચીત ! એમાં વળી કલા કેવી ?

સ્વાભાવિક રીતે આવા પ્રશ્નનો ઉપસ્થિત થાય–પ્રથમ દર્શને. પરંતુ માનવી માનવી હોય, માનવીએ માનવી રહેવું હોય તો વાતચીતને કલા તરીકે સ્વીકારવી પડશે. એટલું જ નહિં કલા તરીકે તેને સેવવી અને ખીલવવી પડશે. કારણ માનવી જેને સ્પર્શે એને કલા ન બનાવી દે તો એ માનવી રહેતો નથી. જે પ્રાપ્તિઓને માનવી કલા બનાવી શક્યો નથી એ પ્રાપ્તિઓ માનવીના હાથ અને હૃદય મેલાં જ રાખે છે.

વાણી એ માનવીની મોટામાં મોટી સંપ્રાપ્તિઓમાંની એક; માનવીના વ્યવહારનું વાણી એ મહામોટું સાધન. આપણે ઘર સારાં માગીએ, રસ્તા સારા માગીએ, સારી હોટેલો માગીએ, સારાં થિયેટરો માગીએ, પરંતુ એ બધાય કરતાં વધારે ઉપયોગી અને આપણા સર્વ વ્યવહારોમાં વધારે ઉપયોગી થઈ પડે એવી વાણી સારી હોવા માટે આપણો આગ્રહુ બહુ ઓછો હોય છે.

સારું એટલે ? સગવડભયું, આંખને ગમે એવું, હૃદયને પ્રિય લાગે એવું ! સારું એટલે ? કલામય વાતચીત એ મોટામાં મેાટો વ્યાપાર–વ્યવહાર અને વાતચીતનું મુખ્ય સાધન તે વાણી. મૌનવાર પાળતા સાધુસંતો સિવાય માનવી જાગૃતાવસ્થાનો મોટો ભાગ વાતચીતમાં જ ગાળે છે. એકબીજાના સંસર્ગમાં આવવાનું, એક બીજાની નિકટતા સાધવાનું મુખ્ય વાહન વાતચીત. એ વ્યક્તિગત સંસિદ્ધિ છે. એના કરતાંય એ વધારે મોટી સામાજિક–સામુદાયિક સંસિદ્ધિ છે. માટે એ બળ છે, શક્તિ છે, મહાજવાબદારી છે. એ શક્તિ કલાની કિનારીથી ઓપશે નહિ તે એ બિહામણું, બેહૂદું,