લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
64
સમરાંગણ
 

સાંભળતાં રોમેરોમે સ્વેદ વળી જાય. ડેલો એક એવું સ્થાન હતું, કે જ્યાં જનારા પરોણાઓ પૃથ્વી પર પાછા નહોતા વળતા.

ડેલો એ મોટું કેદખાનું હતું. ઈન્સાફની અદાલતો બેસવાનો એ હજુ સોરઠી સમય નહોતો. ‘ડેલો’ તો હતું રાજશત્રુઓને દળી નાખવાનું વૈરાલય. સરાણિયાની છોકરીએ રાજનો દ્રોહ કર્યો હતો, કેમ કે રાજાના નામ પર એક અણશોભતી ભવિષ્ય-વાણીની બદનામી બેસાડી હતી.



11
પરદેશીને તેડું


ઘોડો જે રાતે નહનૂને ઉપાડીને સૌરાષ્ટ્ર તરફ પાંખો કરી ગયો તે રાતથી ઇતમાદખાન પણ હાથ ઘસતો બની પલાયન થયો હતો. એની પાસે સુલતાન-પંખીડું છે એ માન્યતાથી એનો પીછો અન્ય ઉમરાવોએ લીધો હતો. ગુજરાતમાં એને ઊભવાની જગ્યા રહી નહોતી. એ જીવ લઈને પહાડોમાં શરણ શોધતો રહ્યો. પાલના પહાડો પર એક દિવસ ઇતમાદે સમાચાર જાણ્યા કે અમદાવાદનું તખ્ત તો એક ગુલામના છોકરાએ રોકી લીધું છે. આ સાંભળીને એણે દાઢી પસવારી. એને સંદેશો મળ્યો કે તખ્ત પર બેસનાર ગુલામ-પુત્ર ચંગીઝે પ્રજામાં નવો છાકો બેસારી દીધો છે. ફોજના એક મુગલ સિપાહીને, એ સિપાહી કોઈ ગરીબની બેટીને ઉપાડી લાવેલ તે અપરાધ બદલ, છડેચોક ફાંસીને લાકડે લટકાવ્યો છે : અને વસ્તીનાં લચી રહેલાં ભરપૂર ખેતરોમાંથી જુવારના એકાદ રાડાને પણ ન અડકવાની એની કરડી આજ્ઞા લશ્કર પર ફરી વળી છે. એ ન્યાય આપે છે, અરજો સાંભળે છે, તાબડતોબ રાહત આપે છે, દંડ દે છે, રક્ષણ કરે છે. સાંભળીને ઇતમાદ ઠરી ગયો.

એમાં એક દિવસ કાસદ એક સંદેશો લઈને અમદાવાદથી આવ્યો.