પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭

આખરે છેતરાશે અને લોકલાજને માર્યે અથવા નણંદનણદોઇની દયાને લીધે એ ખરચ માથે પડ્યા વિના ર્‌હેવાનું નથી. "ખરચ તમારે માથે નહી પડે" - મ્હારે માથે લેઇશ -પલ્લું આપીશ;" અને આ અર્થની ભ્રાંતિ પણ ડોસાને હતી.

લગ્નની પૂર્ણાહુતિ થયા પછી કેટલેક દિવસે લોકો વિદ્યાચતુર પાસે આંકડા લેઇ આવવા લાગ્યા, અને ગુણસુંદરી તેમ જ માનચતુર બંને જણે તે વાત સરતબ્હાર થવા ન દીધી. એક જણ આંકડો આપી પાછો ગયો કે તરત ગુણસુંદરી મેડીપર ચ્હડી અને વિદ્યાચતુરને પુછવા લાગી કે તમે શો બેત ધાર્યો. વિદ્યાચતુર હસવા લાગ્યો અને બોલ્યોઃ “એ તો તમારે વિચારવાનું છે, મને શું પુછોછો ?”

ગુણસુંદરી મેડિયે ચ્હડી ત્યાંથી માનચતુર ચેતી ગયો કે આ માણસ આંકડો આપી ગયો તેની વાતચીત થતી હશે. આથી પોતે પણ ઉઠયો, અને કોઇ દિવસ દીકરાવહુની વાત સાંભળવા ઉભો ર્‌હેતો ન હતો તે આજ દાદર નીચે જિજ્ઞાસાથી ઉભો રહી, ઉત્કંઠિત[૧] થઇ, કાન માંડી, ઉપર થતી વાતો સાંભળવા લાગ્યો.

વિદ્યાચતુરનો પ્રશ્ન માનચતુરને બહુ નવાઇ ભરેલો લાગ્યો, સમજાયો નહી. એટલામાં ગુણસુંદરીએ વિદ્યાચતુરને ઉત્તર દીધો.

"મ્હારા વ્હાલા, આજે તો તમે બરાબર બોલ્યા. કુમારીનું લગ્ન થયું એ મ્હોટા ઉત્સાહની વાત. દુ:ખબા બ્હેનને નીરાંત થઇ, અને મ્હારું વચન પળે એટલે મને પણ નીરાંત થાય. ધન્ય ભાગ્ય મ્હારું કે મ્હારા પલ્લાનો આ પ્રસંગે ઉપયોગ થશે.”

માનચતુર નીચે ઉભો હતો તેણે પોતાની છાતીપર હાથ મુક્યો, હડપચી પર મુક્યો, અને અંતે તર્જની બેવડી કરી તેની બેવડમાં પોતાનો નીચલો ઓઠ પકડ્યોઃ “શું આ ખર્ચ ગુણસુંદરીના પલ્લામાંથી નીકળે છે?"

એટલામાં વિદ્યાચતુરનો ચિંતાતુર જેવો સ્વર સંભળાયોઃ “એ તો ધન્ય ભાગ્ય ક્‌હો કે હીન ભાગ્ય કહો; મ્હારી પાસે અત્યારે રોકડ નથી; તમારી હીંમત ઉપર અને તમારા કહ્યા ઉપરથી આ ખરચ માથે લીધું છે.”

માનચતુરે ઓઠ કરડ્યો, હાથ વીંઝયો, અને પગ પછાડ્યોઃ “ધિક્કાર છે આ દીકરાને કે વહુનું પલ્લું લેવા ઉભો થયો છે, અરેરે !


  1. *કંઠ ઉંચો કરી, ડોક ઉંચી કરી, ઉત્કંઠા રાખી.