પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩

ન્હાની ન્હાની વેલીઓની લીલી કોમળ કુંપળોના આધાર – નખે તોડતાં ત્રુટે એવા – અખંડિત રહે તેમ મજ જેવી ત્હારી રંક પુત્રી આવા પ્રદેશમાં આવા પ્રસંગો વચ્ચે અખંડિત રહે અને આવી માયાળુ બ્હેનો પાસે ઉભરા ક્‌હાડી શાંત થવા પામે, ત્યારે, હે જગતજનની ! એ ત્હારા જ પ્રતાપની અને ત્હારી જ કૃપાની સંજ્ઞાને આમ પ્રત્યક્ષ જોતાં છતાં મ્હારું મન ત્હારા ચરણમાં વિરામ ન પડે તો મ્હારા જેવી કૃતઘ્ન કોણ, વારું ? જનની ! માતા ! યોગને આશ્રયે હું ત્હારા આટલાં બે ચાર તસુનાં જડ પગલાંમાં મ્હારા સંસારસર્વસ્વનું આવાહન કરું અથવા ત્હારા નિરાકાર નિરંજન સર્વગામી અંતર્વ્યાપી જ્યોતિમાં મ્હારા મનને લય પમાડું તો તે ઉભય ક્રિયાઓનું ફળ એક જ થાય છે અને તે ફળ પામી, સંસારને ભુલી, હું ત્હારા પદને પામવાનો અનુભવ કરું છું - અત્યારે કરું છું તેમજ સર્વદા કરાવજે. માજી ! મ્હારે એટલું જ જોઈએ છીએ કે અત્યારની સ્થિતિ શમશાનવૈરાગ્યના જેવી થઈ પ્રસંગ ઉતરતાં ઉતરી જાય નહી, વીજળીના ચમકારા પેઠે આ ક્ષણે ઝબુકી બીજી ક્ષણે બંધ થાય અને મને સંસારના સર્વવ્યાપી અંધકારમાં પાછી ઝબકોળે એવું થાય નહીં, ઝાંઝવાંના જળ પેઠે દોડાવી દોડાવી આખરે તરસીને તરસી રાખે નહી, સ્વપ્નના સુખપેઠે ઉઘાડી અાંખો વાળી જાગૃત ક્‌હેવાતી અવસ્થાની પેઠે પાછી આવેલી અવસ્થા આ સુખને ખોટું ક્‌હે અને પોતાની ભયંકર સ્થિતિની પ્રતીતિ કરાવે એવું થાય નહી – એટલું વરદાન તમારી પાસે માગું છું !”

આટલું બોલતાં બોલતામાં કુમુદનાં આંસુ બંધ થઈ ગયાં હતાં અને ગાલ ઉપર માત્ર તેના શેરડા દીવાને પ્રકાશે ચળકતા હતા. એનો સ્વર ધીર અને સ્થિર થઈ ગયો અને એના હૃદયમાં નવું બળ આવ્યું. એનામાં નવા પ્રાણ આવ્યા અને અનાથ રંક અબળાને સ્થાને સનાથ થઈ નવું સત્વ ધારણ કરવા લાગી. એનાં નેત્રમાં, મુખમાં, અને કપાળમાં નવું તેજ આવ્યું, અને તે સર્વ જોતાં ચતુર ચંદ્રાવલીએ પ્રસંગનો લાભ લેઈ પોતાનું કાર્ય આરંભ્યું.

“બેટા મધુરી, ત્હેં માજીના પ્રતાપનો ચમત્કાર અનુભવ્યો, માજીની આ પ્રતિમાના યોગનો અંશ ત્હેં સાધ્યો. હવે માજીના સાકાર મહત્સ્વરૂપનું અને નિરાકાર વ્યંગ્ય સત્વનું સત્કીર્તન કરીયે તે સાંભળ અને ત્હારા હૃદયમાં ઉતાર.”

હાથ જોડી, અાંગળાંમાં આંગળાં પરોવી, માતા સામી બેસી, ચંન્દ્રા-