પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯

આપવાનો માર્ગ નથી? શું ગૃહિણીને દળી નાખ્યા શીવાય કુટુમ્બમુખ પોષવાનો માર્ગ નથી? કુમુદસુંદરી ! ક્ષમા કરજો ! તમારા સુખનો ત્યાગ કર્યાથી એવા સુખવગરની અવસ્થા કેવી રીતે કેટલા વિદ્વાનો વેઠે છે તે આજ જોયું અને મ્હારી દશાથી તેમની દશા હું સમજી શકીશ. “પ્રિય પિતા ! પ્રિય કુમુદ! બુદ્ધે કરેલો ત્યાગ જો અધર્મથી ભરેલો ન હોય તો મ્હેં કરેલો ત્યાગ તો કંઈ લેખામાં નથી.”

“પ્રિય ચંદ્રકાંત, કુટુમ્બવત્સલતાને લીધે જે સ્નેહસૃષ્ટિનું સ્વપ્ન તું ત્હારા મન્દિરમાં રચી શકતો નથી, જગતવત્સલતાને લીધે જે સ્નેહસૃષ્ટિનો ત્યાગ બુદ્ધે કર્યો, એ જ સૃષ્ટિને પાસે આવતી દેખી હું ત્યાંથી પલાયિત થઈ ગયો તેમાં મ્હેં તમે ખેાયેલી પ્રાપ્તિનો અંશ પણ ખોયો નથી. જે કુટુંબક્લેશ વેઠવાની શક્તિ તમ નિર્ધન મિત્રોમાં આવી રીતે દેખાઈ છે તે ક્લેશના માત્ર સ્વપ્નથી હું કમ્પ્યો છું અને.... પ્રિય કુમુદ! – એ કંપનાર પુરુષ ત્હારી પ્રીતિને પાત્ર ન હતો. પણ ત્હારો મ્હેં વિશ્વાસઘાત કર્યો, તું મ્હારે લીધે અનેકધા કષ્ટ પામી, એ સર્વનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવું તે અત્યારે મને સુઝવા લાગ્યું છે.”

“એક દિવસ એવો હતો કે જ્યારે મને સૃષ્ટિમાત્ર કુમુદના સુખસ્વપ્નમય ભાસતી હતી. એક દિવસ એવો આવ્યો કે જ્યારે એ જ સૃષ્ટિ કુમુદના દુ:ખસ્વપ્નથી ભરેલી લાગી અને મ્હેં ગાયું કે

“ ઉરે ઓ એકલી તું તું!”

“હવે હું એ માયાનું સ્વપ્ન નષ્ટ કરી ભગવાન બુદ્ધની પેઠે પ્રાયશ્ચિત્ત કરીશ. કુમુદસુંદરી ! બુદ્ધે જગતના કલ્યાણને અર્થે સ્વપ્રિયાનો ક્રૂર ત્યાગ કર્યો હતો તેની કવિતા મ્હેં તમારા ઉપર મોકલી હતી. એજ કવિતાનો ઉપદેશ હું આજ જાતે લઉં છું અને એ જ મહાપુરુષની પેઠે હું તમારી ક્ષમા માગવા આવીશ એવો દિવસ આવશે !

આમ કહી એ ચારે પાસની શિલાઓનાં શિખર જોતો જોતો ફરવા લાગ્યો, અને મધ્યરાત્રે સુતેલી પ્રિયાનો ત્યાગ કરવા નીકળી પડતા બુદ્ધની વાણી ફરતો ફરતો સરસ્વતીચંદ્ર ગાવા લાગ્યો.*[૧]

“મુજ પ્રજા મને છે પ્રિય, પ્રિય પિતા, પ્રિય પ્રિયા છે,
“મુજ હૃદય ધડકતું પ્રેમ તેમના ગ્રહી, પ્રીતિ રમ્યા છે.

  1. *આર્નોલ્ડના લાઈટ આફ એશિયા ઉપરથી સૂચિત.