પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮

હાથપગ વાળી રાખી સર્વ જાદવાસ્થળીના સાક્ષિરૂપ થઈ બેસી ર્‌હેવું એ શ્રીકૃષ્ણને પરવડ્યું, કારણ તેમને સ્વધામ પ્હોચવું હતું. પણ તમારે તો હજી આખું મહાભારત બાકી છે માટે એવા મહાત્મા થવું તમને પરવડવાનું નથી.”

"આ પત્ર ઘણા વિસ્તારથી લખ્યો છે તેનું કારણ એ કે સરરવતીચંદ્ર તમને જડે તો પણ મુંબઈ આવવાની ના ક્‌હે તો આ પત્ર વાંચે અને જેવા ચતુર અને મર્મજ્ઞ છે તેવા અનુભવજાગૃત થાય."

ઉદ્ધતલાલનો પત્ર વાંચી, શ્રાન્ત થઈ, નિ:શ્વાસ નાંખી સરસ્વતીચંદ્ર પળવાર બેસી રહ્યો. વળી પત્રની જોડે ટાંકેલા પત્રમાં ચંદ્રકાંતના અક્ષર વાંચવા લાગ્યો.

પ્રિય ઉદ્ધતલાલ ! આપણું દુર્વ્યવસ્થાનું જે ચિત્ર તમે પ્રત્યક્ષ કરો છો તે અસત્ય નથી, પણ એ ચિત્ર અપૂર્ણ છે. આપણાં કુટુંબ સામાજિક છે, આપણા કુટુમ્બમાં કુટુમ્બસંકર છે, એ સંકર જ્ઞાતિસમાજ અને કુટુમ્બસમાજનાં હિતનું પોષણ કરે છે અને યુરોપીયનોમાં પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક વ્યક્તિ – પોતાના ઉચ્ચગ્રાહ શોધી લે છે તેવી રીતનો વ્યક્તિઓનો ઉચ્ચગ્રાહ આપણા દેશમાં થતો નથી. કુટુમ્બભાર વ્હેનાર સ્ત્રીપુરુષોના મર્મભાગ આ રીતથી ઘસાય છે અને એ સ્ત્રીપુરુષો અશક્ત થઈ જાય છે, તેમ જ જે કુટુમ્બોને તેઓ વ્‌હે છે તે કુટુમ્બોમાં પણ અનેકધા અનર્થકારક દુર્ગુણો પ્રવેશ કરવા પામે છે. આ સર્વ ચિત્ર તમે આલેખો છો તે ચંદ્રકાંતને ઇષ્ટ છે. સુધારાના ઇષ્ટ પ્રવાહો મૂળ આગળ અટકે છે તેનું કારણ તમે આ કૌટુમ્બિક દુર્વ્યવસ્થાને ગણો છે તે પણ યોગ્ય છે."

પણ તમારા ચિત્રમાં ન્યૂનતા છે તે પૂરવા ઇચ્છું છું. કુટુમ્બભાર વ્હેનાર સ્ત્રીપુરુષોના કલ્યાણમાં જ કુટુમ્બનું કલ્યાણ સમાયલું છે એટલી બુદ્ધિ કુટુમ્બજનમાં ઉદય પામે તો તેમના સામે જે પ્રહાર કરવા તમે પ્રયત્ન કરો છો તે પ્રહાર કરવાનું કારણ અર્ધું ઓછું થઈ જાય. આ બુદ્ધિ જે જે કુટુમ્બોમાં હોય છે ત્યાં ત્યાં ઘણાક અનર્થ ઓછા હોય છે. સામાન્ય વિદ્યાથી, સામાન્ય વિચારથી, અને ભાર વ્હેનાર ઉપર વિશ્વાસ ઉપજવાથી, આ બુદ્ધિ ઉદય પામે એમ છે. વિદ્યા કેમ વધારવી અને ક્યારે વધશે એ તમે જાણો છો. વિદ્યા વધતાં વિચાર વધશે. વિદ્યા શીવાય પણ વિચાર વધે છે તે સ્વાભાવિક બુદ્ધિ અને અનુભવથી થાય છે. અાપણા