પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
अनारम्भो हि कार्याणां प्रथमं बुद्धिलक्षणम् ।
आरव्धस्यान्तगमनं द्वितीयं बुद्धिलक्षणम् ।।

પ્રથમ બુદ્ધિલક્ષણ નષ્ટ થયું, તો બીજું તો રાખવું. I have commited myself to this stage – by folly or by fortune, and I shall be at least consistent with myself and stick to what I have accepted. That saves me an amount of thought and vexation. આપેલું પાછું લેવું એ પાપ છે!

"દેશનું કલ્યાણ ધનદ્વારા કરવું ઈશ્વરને સોપું છું એ કલ્યાણનાં સાધન હતાં તે ગયાં તે ઈશ્વરની ઈચ્છા ! નવા પન્થમાંથી નવાં સાધન શોધીશું. છોડેલાં શસ્ત્ર પાછાં લેવાં નથી ! કુમુદ ! ત્હારે માટે કરેલી પ્રતિજ્ઞા હવે ત્રુટશે નહીં ! તને દુઃખકુણ્ડમાં નાંખી દીધાનું પ્રાયશ્ચિત્ત કરવા જે જ્વાળામુખ સંન્યાસની પ્રતિજ્ઞા લીધી હતી તેને યોગ્ય વેશ આ જ છે."

"શું જગતમાં એક પણ પદાર્થ એવો છે કે જેથી ઘેર જવાની વાસના મ્હારામાં પ્રકટે? શું પરમાર્થ અથવા દયાને નામે મ્હેં કરેલું પાપ ધોવાશે અને લીધેલી પ્રતિજ્ઞા છુટશે ? કુમુદસુંદરી ! તમારો ત્યાગ કરી તમને જે દુ:ખમાં મ્હારી સ્વચ્છંદતાએ નાંખેલાં છે તેનું પ્રાયશ્ચિત્ત મ્હારી પ્રતિજ્ઞા પ્રમાણે જ કરીશ ! અને બુદ્ધની પેઠે આ જ વસ્ત્રો પ્હેરી તમારી ક્ષમા એક દિવસ માગીશ. મ્હારી અલ્પશક્તિ પ્રમાણે આ જ વેશે લોકહિતનો પ્રયત્ન કરીશ."

"ચંદ્રકાંત, મુંબાઈ છોડવા પ્હેલાં હું ધારતો હતો કે દેશહિત, લોકહિત, અને આત્મહિત, ત્રણે વાંનાં દ્રવ્યવિના સિદ્ધ થઈ શકે છે, અને ત્હેં દ્રવ્યના લાભનો પક્ષવાદ કર્યો, ત્યારે મ્હેં તેના સામો પક્ષવાદ કર્યો, અને મ્હારા પક્ષને સત્ય માની મ્હેં દ્રવ્યનો ત્યાગ કર્યો, ત્હારા પક્ષવાદનું મૂળ અનુભવ હતું – ત્હારા અનુભવ વિનાનો મ્હારો પક્ષ હવે મને મૂર્ખતા ભરેલો લાગે છે અને ત્હારા જેવાઓને ઉપયોગી થવાનું સાધન મ્હેં હાથે કરી ખેાયું. હવે એ થયું ન થવાનું થનાર નથી, અને લીધેલી પ્રતિજ્ઞાઓ છુટનાર નથી, અને દ્રવ્યના સાધન વિના આ શરીરથી જે અર્થ સરે તે જ યોગ્ય છે. હવે આપણા લોકે સ્વીકારેલો પ્રારબ્ધવાદ સ્વીકારવામાં મને સુખ લાગે છે, મ્હારો હાલનો પ્રતિજ્ઞાધર્મ તે વાદને જ અનુકુળ લાગે છે."