પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્વતીચંદ્રે જાગૃત અવસ્થામાં વધારે વિચાર કરી, ઉપકારવશ થઈ, વિરક્તિના રંગનો રાગી થઈ પોતાના જીવનના દાતા વિષ્ણુદાસ બાવાને પૂર્ણ પ્રસન્ન કરવા આખે શરીરે ભગવો વેષ – ધોતીયું, અંચળો અને માથે ફેંટો સર્વે – ભગવાં ધર્યાં. તે કાળે બાવાના મઠોમાં અને ત્યાંથી આખા યદુશૃંગ ઉપર અલખની ગર્જના જાગી રહી, અને તે ગર્જનાવચ્ચે વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રના કાનમાં અતિપ્રસન્ન વદનથી યોગવાસિષ્ટનો ઉપલો મંત્ર મુકયો અને એ મંત્રોચ્ચારનું શ્રવણ કરાવી એના પોતાના ઉત્તમોત્તમ અધિકારીની દીક્ષા આપી. એ દિવસ સર્વ જટાધરોએ અનધ્યાય અને અભિક્ષાનો પાળ્યો અને સર્વ પોતાને મનગમતે સ્થાને ફરવા નીકળી પડ્યા. સરસ્વતીચંદ્રને લેઈ વિહારપુરી અને રાધેદાસ તેને પર્વતનાં શૃંગો દેખાડવા નીકળી પડ્યા.

પ્રાતઃકાળે આ ત્રણ જણ ફરતા હતા તે કાળે તેમની વચ્ચે જે જિજ્ઞાસા, કુતૂહલ, પૃચ્છા, અને ગોષ્ટિવિનોદ ચાલી રહ્યાં હતાં તેને સ્થાને અત્યારે વિહારપુરી અને રાધેદાસના મનમાં સરસ્વતીચંદ્રને વિષયે પૂજ્યભાવ ઉદય પામ્યો હતો, વિષ્ણુદાસ જેવા સદ્ગુરુએ ઉત્તમોત્તમ અધિકારે સ્થાપેલા પુરુષ ઉપર શ્રદ્ધા અને ગુરુભક્તિ સ્ફુરતાં હતાં અને વિનીત શિષ્ય જેવા બનેલા બંને જટાધરો, સરસ્વતીચંદ્રનાં ધીમાં પગલાંને અનુકૂળ બની, અર્ધો માર્ગ કાપતા સુધી એક શબ્દ બોલ્યા વિના અને એક પ્રશ્ન પુછ્યા વિના, એની બે પાસ એની પાંખો પેઠે એની સાથે ચાલતા દેખાતા હતા. જ્યોતિઃશાસ્ત્રમાં પારંગત ગુરુજીના વર્તારા ઉપર શંકાની ફૂંક સરખી મારવામાં નાસ્તિકતા અને દુષ્ટતા ગણનાર ગુરુવત્સલ શિષ્યોના મનમાં આ સમયે કંઈ પણ વિચાર થતો હોય તો તે સરસ્વતીચંદ્રના રૂપ અને વેશ સંબંધે હતો અને કંઈ પણ તર્ક થતો હોય તો એના પૂર્વાશ્રમ, એના પુણ્યોદય, અને એના ભાવી ઉત્કર્ષ વીશે હતો. ભસ્મ, ગોપીચંદન, લંગોટી, અને જટા એટલા વેશવાળા બે કાળા બાવાઓ વચ્ચે સર્વાંગે ભગવાં પણ શુદ્ધ ગેરુના રંગવાળાં વસ્ત્રો પ્હેરી ચાલતો ગૌર પુરુષ બે કાળા ગણ વચ્ચે ઉભેલા મહાદેવ જેવો, હનૂમાન સુગ્રીવ વચ્ચે ઉભેલા રામ જેવો, લાગતો હતો, અને બે બાવાઓનાં મન એનાં દર્શનથી તૃપ્ત અને નમ્ર થઈ જતાં હતાં.

“ વિહારપુરી !” સરસ્વતીચંદ્રે પુછયું.