પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩

પ્રશ્ન ઉઠતાં લેખ-આદિનાં શસ્ત્ર અને બુદ્ધિ તથા કલમની કળાઓ વાપરવી પડે છે તે વૃદ્ધ મહારાજની અનન્યબુદ્ધિના પ્રતાપથી આ ચતુર્થાસન ઉપર સજજ થાય છે.”

વીર૦ - ત્યારે શું તમે સેના રાખતા નથી ? અથવા રાખો છો તો શું કરવા ?

વિદ્યા૦- ચક્રવર્તી સમગ્ર સામ્રાજ્યના શત્રુ સામે પ્રવર્તે ત્યારે તેની સૈન્યગંગામાં અમે ન્હાનાં સંસ્થાનોની લધુ સેનાનદીઓનાં જળ ભળે એ પ્રસંગને માટે અમે તત્પર રહીયે છીયે. ભાવી યુગમાં શું કરવું પડશે તે કલ્પાતું નથી પણ રાજા છે તેનાં રાજત્વને અંગે જ ન્હાની સરખી સેના અથવા “સશસ્ત્ર પ્રાંતરક્ષકો ” – armed police – અમે રાખીયે છીયે. તેને તેના યોગ્ય શસ્ત્રાસ્ત્રકળાથી સજજ અને શક્તિમત્ કરવા એ પણ આ ચતુર્થાસન ઉપર જ વિચારાય છે. સંક્ષેપમાં ધર્મરાજાની આજ્ઞાઓની અવજ્ઞા અટકાવવાનું કામ અને અંતઃશત્રુ કે બાહ્ય શત્રુ દ્વારા કે વિપત્તિ દ્વારા પાંચાલીના થયેલા અથવા થવાના પરાભવના પ્રતીકારનું કામ જે પ્રતાપ અને બળથી થાય તે સર્વ આ ભીમભવનના ચાર આસનમાં ઉદ્ધવ અને પરિપાક પામે છે અને આ પુસ્તકશાળા તેનું પોષણ કરે છે.

વીર૦– રાજસેવકો ઉપર ભીમની ગદા પડવા કાળ આવે છે ખરો ?

વિદ્યા૦– રત્નનગરીના રાજસેવકો નીમતાં પ્હેલાં જ ઘણી સૂક્ષ્મ સંભાળ રાખવામાં આવે છે અને એમ છતાં પ્રસંગવશાત અથવા મનની નિર્બળતાથી કવચિત્ કોઈ સેવક પાંચાલીનું અહિત કે અપ્રિય કરે તો ભીમની વાયુગતિથી તે વાત ગુપ્ત ર્‌હેવા પામે નહી અને તેની ગદાથી મુક્ત રહી શકે નહી.

ચંદ્ર૦- રાજસેવકોનાં પાલન, શિક્ષણ અને દંડ આ ભવનમાં થાય છે, પણ તેમને અધિકારમાં પ્રવેશ કરાવે છે કોણ? પ્રવેશ પ્હેલાં તેમનું શોધન કરે છે કોણ?

વિદ્યા૦- તેનું શોધન થાય અર્જુનભવનમાં; તે પછી કુરુક્ષેત્રમાં આપ્ત મંડળની અને મંત્રીમંડળની યથોચિત સંખ્યાને આમંત્રણ કરી, સર્વ ભવનના વિચાર તે મંડળસાથે કરી, મહારાજ જાતે અધિકાર આપે છે. એક વાર અધિકાર પામેલા સેવકને આગળ વધારવો હોય તો જે ભવનના વિચારમાં એના અધિકારનો વિષય આવતો હોય તે ભવનમાં વિચારણા