પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪


"જી મહારાજ, એ મંત્ર અવધાનમાં સંગ્રહી લીધો."

નેત્ર મીંચી રાખી થોડા થોડા શબ્દો રચી અટકી અટકી, મીંચેલે જ નેત્ર અંતર્વૃત્તિ રચી એકાગ્ર વિચારમાં મગ્ન સરસ્વતીચંદ્ર ધીરે ધીરે બેાલવા લાગ્યો.

“ સુન્દરગિરિનાં શૃંગ ચુંબતાં જલધરગણને,
“ પવિત્ર સાધુવૃન્દ જગવતાં ત્યાંજ અલખને.
“ મૃગજળ સરવરતીર પડ્યો છે રમણીય રસ્તો,
“ જગ ત્યજી જનારાતણો પંથ–સંતોને સસ્તો.
“ તુજ ઇન્દ્રપુરીની ભભકભરી નથી માયા ત્યાં તો;
“ નથી ચંદ્રવિકાસિ કમળ[૧] સૂક્ષ્મસુગન્ધિ ત્યાં તો.
“ તુજ વૃદ્ધ વૃદ્ધ પૂર્વજો ચિરંજીવ વસતા ત્યાં તો,
“ હજી સુધી શ્રુતિને પ્રત્યક્ષ કરે સઉ અવનવી ત્યાં તો.
“ ત્યજી ઇન્દ્રપુરી, ત્યજી કમળ, ત્યજી મળ સંસૃતિકેરા,
“ લીધ ભગવો રંગ વિરક્ત, ઉદાસીન ફરું છું ફેરા.
“ મુજ હૃદયે વિશ્વે દેવ પ્રકટીયા, તે તું જાણે !
“ ગુરુજનઉદ્ધારો બોધ હોમતા ત્યાં આ ટાણે.
“ આ વ્હાણું વાય નવું આજ, મન્દ ધીર પ્રકાશ લાગે,
" ધીમી ધીમી ઉઘડે મુજ અાંખ, સૂર્યમંડળ ઉંચું આવે.
“ આ ગિરિશૃંગ પ્રભાતહોમ થાતો તે કાળે
“ નહીં મળે મિત્ર અધ્વર્યુ[૨], યજ્ઞમાં વિશ્વ જ આવે. ”

સરસ્વતીચંદ્રે અાંખ ઉઘાડી. વિહારપુરીએ ઉઘાડી, પણ આટલાં બધાં પદ એને અવધાનવશ થઈ ન શક્યાં તેનો અસંતોષ તેના મુખ ઉપર પ્રકટ્યો. સરસ્વતીચંદ્ર તે સમજી ગયો અને બોલ્યો.


  1. ચંદ્રવિકાસિ કમળ=કુમુદ.
  2. યજ્ઞ કરનાર કરાવનાર 'ગેાર' તે ઋત્વિજ્; "ऋस्विग्यग्ज्ञकृत्." તેના ચાર વર્ગ. (૧.) હોતા ઋગ્વેદના મંત્ર ગાય, ર, ઉદ્વાતા - જે સામવેદનું ગાન કરે. ૩, અધ્વર્યું. ૪. બ્રહ્મન્. આમાં અધ્વર્યુ યજુર્વેદ ભણે, તેમાં होता प्रथमं शंसति तमध्वर्युः प्रोत्साहयनि. યજ્ઞની સામગ્રી તત્પર કરવી અને હોતાનું પ્રોત્સાહન કરવું એ અધ્વર્યુનું કામ.