પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨

અભિલાષ સિદ્ધ કરવાની શક્તિવૃત્તિવાળા સમર્થ સ્વામીની સાથે પ્રાણયાત્રા અને લોકયાત્રા કરી, તેની સહધર્મચારિણી થઈ તે સહચારકાળે ઉચ્ચાભિલાષી વિદ્વાન પતિના હૃદયમાં ગુપ્ત મંત્ર પ્રેરવાના પોતાને અભિલાષ થયા હતા. તે કાળ સ્મરણમાં ખડો થયો. વિધાતાની વિચિત્ર ઇચ્છાથી આવા શુદ્ધ સ્નેહની સૃષ્ટિમાં લેઈ જવા તત્પર થયલો પ્રિયજન ઉદાસીન થઈ ગયો, તેને સ્થાને માત્ર કામદેવના મંદિરમાંનાં અને શાંત ગૃહસંસારમાંનાં સ્વપ્ન દેખાડનાર પતિનો જ યોગ થયો, એ પતિ પણ શત્રુ થયો, એ સ્વપ્ન પણ નષ્ટ થયાં અને નત્રના પલકારા જેટલા કાળમાં કંઈકંઈ અનુભવ અને ચમત્કાર જોવા પડ્યા. આ સર્વ ચિત્ર વામનીના ગાને કુમુદના ચિત્તમાં ઉભું કર્યું. સુવર્ણપુરથી નીકળવું શું ? બ્હારવટીયામાંથી બચવું શું ? નદી શી ? સમુદ્ર શો ? ચંદ્રાવલી શી ? આત્મહત્યા શી ? તેમાંથી બચવું શું ? પર્વત શો ? આ નવી યાત્રાને આરંભ શો કરવો ? સરસ્વતીચંદ્ર સાધુઓમાં જવા શા ? તેના ઉપર તેમના ગુરુનો પક્ષપાત થવો શો ? એની પાસે હવે જવાની પોતાની વૃત્તિ શી થવી ? પોતે જઈને શું કરવાની હતી ? - ઇત્યાદિ અનેક પ્રશ્નો – સંકલ્પવિકલ્પો - ચોપાસ દેખાતા પથરાઓ પેઠે તેની પાસે ખડા થયા. એ પથરાઓ કાંઈ કામના ન હતા, ભાંગે નહીં એવા કઠણ હતા, હવે એના ઉપર ચાલવું અનિવાર્ય હતું, અને કોમળ પગને તે ખુંચે એમાં તે નવાઈ શી ? પોતાના વિચાર – પ્રશ્ન પણ કામના ન હતા, ઉત્તર મળે નહી એવા કઠણ હતા, અનિવાર્ય હતા, અને કોમળ હૃદયને અનેક શલ્ય તુલ્ય હતા. વામનીના ગાયનમાં વચ્ચે વચ્ચે સ્વર લંબાતા ત્યારે કુમુદના મનમાં આ વિચારો ઉઠતા, ગાયન-કાળે દીવાની વાટ પેઠે સંકેરાતા અને તેને લીધે જ પાછા સ્થિર જ્વલમાન થતા, અને સાજકના સ્વરથી કંપતા, બોલ્યા ચાલ્યાવિના, હાલ્યા વિના, સ્તબ્ધરૂપે અને મૌનથી એણે સર્વે સાંભળ્યાં કર્યું પણ પોતાના ચીરાતા હૃદયની ચીસો અનાહત નાદ પેઠે સંભળાવા લાગી અને નેત્રમાં અશ્રુધારા ચાલવા લાગી.

ગાયન અને નૃત્ય થઈ રહ્યું ત્યાં ભક્તિમૈયા ઉઠી અને ઉભેલી વામનીની હડપચી ઝાલી બોલી ઉઠી – “વામની, આ ગાન, આ સ્થાન, અને આ પ્રભાત અને આ સુંદર સ્વરૂપ: - એ સર્વ શું શ્રીકૃષ્ણપરમાત્માની રાસલીલા નીરખાવવા યોગ્ય નથી ?”

ઉત્તર મળતા પ્હેલાં તેા માર્ગનો વાંક ઓળંગી સરસ્વતીચંદ્રને લઈ વિહારપુરી અને રાધેદાસં ઉતરી આવ્યા. સ્ત્રીમંડળને જોઈ તેઓ સ્તબ્ધ થઈ સંકોચાઈ ઉભા. તેમને જોઈ સ્ત્રીઓ પણ વીજળીની