પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧

થાય છે તેને માટે જ કહેલું છે કે, स्वधर्मे निधनं श्रेय: भयावह: ॥ પણ અનધિકારી અધિકારી થાય એટલે તો તેને જ્ઞાન સ્વતઃ ઉદય પામે છે.”

મ્હેતાજી – તે તમારા જ્ઞાનમાં પણ કયાં એકપણું બળ્યું છે ? આ જુવો કબીરપન્થી, જૈન, સાંખ્ય, વેદાન્ત વગેરે - અખો ક્‌હે અંધારો કુવો ને ઝઘડો ભાગી કોઈ ના મુવો - માટે જ તમારા જ્ઞાન કરતાં અમારી જેવી તેવી પણ ભકિત સારી.

વિહારી૦- અલખમાર્ગમાં ભક્તિ તો પ્રથમ સાધન જ છે. યોગજ્ઞાનાદિ તો તે પછી છે. અધિકારનો ક્રમ છે.

મ્હેતાજી - તો ખરું. બાકી આ તો શું ? જ્ઞાનની બડાશો મારવી એ તો સર્વને આવડે ને બડાશો મારવા શીવાય બીજું તો જ્ઞાન પણ નહી ને ભક્તિ પણ નહી.

સઉ વાતો કરતા ચાલતા હતા તે આટલી વાત થઈ એટલામાં તો મંદિરના મંડપનાં પગથીયાં ચ્હડી અંદર આવ્યા. સરસ્વતીચંદ્રને બીજાં વર્તમાન પત્રો મંગાવેલાં તે આપી, સમય થયે મ્હેતાજી શાળામાં ગયા.

મંદિરમાં અત્યારે રાજભોગનો સમય થવાને કંઈક વાર હતી, પણ ધીમે ધીમે લોક ભરાતા હતા. ગામની વસ્તી થોડી હતી તે થોડાં વરસથી વધવા માંડી હતી. તેમાં થોડાથોડા પરગામના યાત્રાળુઓ તો હમેશ આવજા કરતા. મંદિરમાં બહુ ભીડ ક્‌વચિત્ થતી; પણ શરદઋતુના આકાશમાં આછી વાદળીઓ અંહી તંહી હોય તેમ દર્શન કરવા આવનાર મંદિરમાં અહીં તંહી બેઠેલાં, ઉભેલાં, ચાલતાં, પ્રતિમાને નીહાળી ર્‌હેતાં, વાતો કરતાં, કીર્તન કરતાં, અને અમસ્તા રાગ ક્‌હાડતાં, યુવક અને વૃદ્ધ સ્ત્રી પુરુષો અને બાળકોનાં આછાં ટોળાં દ્વારોમાં, પગથીયાં ઉપર, ભીંતે અઠીંગેલાં, ચોકમાં અને મંડપમાં ભરાયલાં, લાગતાં હતાં. કોઈ સ્નાન - આદિ કરી પવિત્ર થઈ ઉઘાડે અંગે ટીલાં ટપકાં સાથે હતાં. મુંબઈવાસીને નિર્માલ્ય લાગે એવાં પણ ગામડામાં તે સુંદર અને આકર્ષક લાગતાં વસ્ત્રો કોઈએ પ્હેરેલાં હતાં. કોઈએ માત્ર અબોટીયાં જ પ્હેર્યાં હતાં. મ્હેતાજી ગયા તે વેળા ત્રણે સાધુવેશ યુવકો આ સ્થાને આવી પ્હોચ્યા હતા. વિહારપુરી અને રાધેદાસ દેવને નમસ્કાર કરી ઉભો. સરસ્વતીચંદ્રનું હૃદય જ મૃદુભાવથી પ્રવણ થયું અને બાહ્ય આકૃતિ સ્વસ્થ જ રહી.

એના જમણા હાથ ભણી એક ભક્ત એક પગે ઉભો રહી ઈષ્ટદેવની