પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૯

“મ્હારે તેનું શું કામ છે? મધુરીને સુખ કરી પાછી આવીશ.”

“ભલે. જાવ ત્યારે.”

“કોઈ સ્ત્રીયોને ત્હારી સાથે ર્‌હેવાનું કહીશ.”

“કયારે જશે ?”

“તે બેટ જઈને નિર્ણય કરીશું.”

“ભલે.”

“અથવા – બિન્દુબેટા, તું પણ મ્હારી સાથે જ ચાલજે, મંદિર કોને સોંપીશું.”

“કેમ વિચાર ફેરવ્યો ?”

“શરીર એકલું પડે ત્યારે કાળજું હાથમાં ન ર્‌હે — તો વિપરીત થાય. બેટા, જેને એવું ભય હોય તેણે કોઈ ન મળે તો બોલતું બાળક પણ સંગતમાં રાખવું.”

“માશી, સાધુજનોનો કાળ સર્વદા મનને આમ અંકુશમાં રાખવામાં જ જતો હશે ?”

“સંસારમાં જન્મ લેનાર સર્વને માટે એ સાધુચરિત ઉચિત છે, તો સાધુનો આ ભેખ ધરે તેનું તો પુછવું શું?”

“પણ વિવાહિત જનોને એ પ્રયાસની આવશ્યકતા નહી ર્‌હેતી હોય?”

મન્દ સ્મિત કરી, મુગ્ધાને ચુમ્બન કરી, તેને વાંસે જરીક થાબડી, ચંદ્રાવલી બોલી.

“બેટા, અનેક ભોગ અને ભોગનાં સાધન હાથમાં છે તેને પણ સંતોષ દુર્લભ છે તે પામવાને આવું સાધુચરિત જોઈએ છીયે તો ત્હારા જેવી આ ન્હાની સરખી કોમળ દેહલતિકાને શ્રી અલખ ભગવાનના અશરીર યોગથી તમે ર્‌હેવા માટે કેટલું જાગૃત ર્‌હેવું પડે વારું ? બેટા બિન્દુ, તું અને મધુરીના વયમાં બહુ ફેર નથી. ત્હારી સાથે એ મન મુકી વાત કરશે ને એને સુખી કરવામાં તું સાધનભૂત થાય તો એ પુણ્ય ત્હારે ઓછું નથી. માટે પણ મ્હારી સાથે ચાલ. મન ઉપર જય, માજીનો યોગ, અને અન્ય જીવોને સુખી કરવા: એ ત્રણ કામ પુરાં થાય તો સાધુજીવનનું ફળ પૂર્ણ મળ્યું ગણવું.”