પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪

નથી કરતું. શું મ્હારો ચંદ્ર સાધુ થયો? ” લ્હોવા માંડેલાં આંસું વધારે વધારે નીકળવા લાગ્યાં.

ચંદ્રકાંતનાં અશ્રુ જોઈ બાવાના મનમાં પણ પોતાના શ્રોતાનું અભિજ્ઞાન સિદ્ધ થયું, અને આર્દ્ર હૃદયથી તે ચંદ્રકાંત સામો ઉભો રહી એનાં અશ્રુ લ્હોવા લાગ્યો અને બોલ્યો.

“બચ્ચા, ત્હારે રજ પણ ગભરાવું નહી. ત્હારા મિત્રરત્નને તું સત્વર પ્રાપ્ત કરીશ એ અમારું પણ રત્ન છે, એ જીવ ત્હારે માટે તૃષિત છે ને મ્હારા મુખમાં જે ઉદ્ગાર છે તેનો પ્રભવ એનાજ એ જ મુખમાંથી, એનાજ હૃદયમાંથી, અને એની જ તૃષામાંથી છે. એ ઉદ્ગારસુધાનું પાન એકવાર કરી લે ને બોધી લે કે ત્હારા મિત્રની ત્હારે માટેની તૃષા ત્હારાથી સમજાય.”

અશ્રુ લ્હોતો લ્હોતો મિત્રવિયુક્ત મિત્ર “બોલો બોલો, બાવાજી, બોલો - પરમુખે પણ મિત્રના શબ્દ મિષ્ટ છે – પણ –”

“પણ” વાળું વાક્ય નીકળવા ન દેતાં બાવાએ આગળ ગાયું અને ગાન પુરું થયું – “નહી મળે મિત્ર અધર્વ્યુ – યજ્ઞમાં વિઘ્ન જ આવે !”

"આવ્યું – ભાઈ, યજ્ઞમાં વિઘ્નજ આવ્યું – ત્હેં આ ભેખ લીધો ત્યારથી જ – બાવાજી, હવે મને કાંઈ જાતે ક્‌હો – સુન્દરગિરિ ઉપર મ્હારો મિત્ર ક્યાં છે? તેનું શરીર કેવું છે? તેના અન્નપાનની વ્યવસ્થા કેવી છે ? તેના મનની અવસ્થા કેવી છે ? તે મને ક્યારે મળશે ? ક્યાં મળશે? મ્હારે અત્યારેજ નીકળવું છે. આમાંથી જેટલા ઉત્તર દેવાય તેટલા સત્વર આપો. એ જીવમાં અનેક જીવોનું જીવન છે અને મ્હારું તો સર્વસ્વ તેમાં જ છે.”

“બચ્ચા, આ કામ ગુપ્તપણે કરવાની મને આજ્ઞા છે. આ સ્થાન ને સમય તેને પ્રકટ કરવાને અનુકૂળ નથી. ત્હારું રત્ન સુવર્ણની પેટીમાં સાચવી રાખેલું છે અને સર્વ રીતે આનન્દરૂપ છે એટલું જાણી શાન્ત અને શીતળ થા. તું જેમ મ્હોટાના ગૃહનો અતિથિ છે તેમ ત્હારો મિત્ર મહાત્માનો પ્રિયતમ અતિથિ છે. જો તને શોધતું કોઈ આવે છે – હું તેમની જિજ્ઞાસાને જાગૃત નહી કરું, ચંદ્રકાંતજી, હું આ સ્થાને સંધ્યાકાળથી પ્રાત:કાળ સુધી તમારી વાટ જોઈશ અને એકાંતમાં તમારી ઈચ્છા તૃપ્ત કરવાનો સંકેત દેખાડીશ.”