પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૬

ત્યાં થતું નથી, વિવાહિત સાધુ, પતિને અથવા પત્નીનો સ્થૂલ દેહ પડ્યા પછી, ફરી વિવાહ કરતા નથી એટલુંજ નહી પણ પોતાના પ્રીતિવિષયને અલખ રૂપે પ્રત્યક્ષ ગણી તેના ભાગનું આસ્વાદન કરે છે અને એની સૂક્ષ્મ પ્રીતિ અવ્યભિચારિણી ર્‌હે છે. મધુરી, સંસારી જનો પેઠે અમારી વિધવાઓ કરકંકણને કે સુન્દરવેશનો નાશ કરતી નથી; પણ અલખ પતિને પ્રત્યક્ષ માની, સર્વ સુન્દરતાનું સંરક્ષણ કરી, બિન્દુમતીના જેવા અલખભેાગનું અને અલખપ્રીતિનું સતત સુધાસ્વાદન અમે કરીયે છીએ. મધુરી, પ્રત્યક્ષ, પ્રમાણ જો – આ કંકણધર હસ્ત !”

પોતાનો હસ્ત લંબાવી તેમાંનું કંકણ કુમુદને પ્રફુલ્લ અભિમાનથી અને આનંદથી દર્શાવતી મોહની પ્રેમાવેશમાં આવી ઉભી થઈ અને નેત્ર મીંચી બોલવા લાગી.

"મધુરી, મ્હારા ઇષ્ટ સખાનો સ્થૂલ દેહ પડ્યો છે પણ આ સ્થૂલ ચક્ષુ બંધ કરું છું ત્યાં મ્હારા એ સખાનાં અલખ સ્વરૂપને અન્તશ્ચક્ષુથી પ્રત્યક્ષ કરી તે સૌભાગ્યથી આ કંકણ રાખું છું – અનાહત નાદ જેવો એનો અલખ સ્વર મ્હારા શ્રવણપુટમાં આવે છે - તેની સંમતિથી આ સ્થૂલ નેત્ર ઉઘાડું છું."

આટલા પતિભોગથી વિધવા મોહનીનાં નેત્રમાં આનંદાશ્રુ આવ્યાં હતાં તે લ્હોતી લ્હોતી એ કુમુદ પાસે બેઠી અને બોલવા લાગી.

“મધુરી, અલખ પ્રીતિ જ સત્ય છે, અને તેવી ધર્મ્ય સુન્દર પ્રીતિ ત્હારે નવીનચંદ્ર જેવા મહાત્મા સાથે શુદ્ધ પરિશીલનથી થઈ છે તે જ ત્હારો વિવાહ; અને અન્ય વિવાહ તો ત્હારી વરચના થઈ છે. એ વઞ્ચનામાંથી હવે તું મુક્ત થઈ, અને ત્હારી અલખ અને લખ સુન્દરતાનો અધિકારી ત્હારા યોગની વાસના રાખે છે એવું તું જાણે તો તેટલા જ્ઞાનથી ત્હારી ત્હારા શુદ્ધ ભાગ્યોત્કર્ષનો પ્રવાહ તું દેખતી નથી?”

કુમુદ – તમે ક્‌હો એવો ભાગ્યોદય આ અવતારમાં હું ઇષ્ટ ગણું એમ નથી. તમારી વર્ણવેલી પ્રીતિને મ્હારું હૃદય પૂજે છે એવી પ્રીતિ મ્હારા ભાગ્યમાંથી આવેલી ગઈ અને હવે તો આ દગ્ધ જીવનું શરીર દગ્ધ થાય તેટલો કાળ આથડવાનું બાકી છે તે ચંદ્રાવલીમૈયાના વિરાગ બોધથી શાંતિ પામી આથડી લેઈશ.