પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૨

તે કન્યાને દૂતીનો યોગ કરી આપવો એ પણ અધિષ્ઠાત્રીનું કર્તવ્ય હતું. સખી અને દૂતી સ્થૂલ અને સૂક્ષ્મ ઉભય કામ અને પ્રીતિની અભિજ્ઞ હોય તે જ યોગ્ય ગણાતી. કામતન્ત્રકારો એ કેવળ સ્થૂલ પ્રીતિનું શાસ્ત્ર બાંધેલું છે ત્યારે આ મઠમાં એ શાસ્ત્રને સુધારી તેમાં સૂક્ષ્મ પ્રીતિનું શાસ્ત્ર ઉમેરેલું હતું. સ્થૂલ એટલે લખ પ્રીતિમાંથી સૂક્ષ્મ એટલે અલખ પ્રીતિનું ઉદ્બોધન કરાવવું આવશ્યક ગણવું એ અલખના કામશાસ્ત્રને વ્યાવર્ત્તક હતો.

ચન્દ્રાવલી આ સર્વ વિષયમાં પ્રવીણ હતી અને એક કાળે રસિક હતી. વિષ્ણુદાસ ત્રણે અલખમઠના ગુરુ થયા અને અલખમાર્ગને અને મઠોને તેમણે નવી પ્રતિષ્ઠા આપી તે પછી પોતાની પાછળ યોગ્ય અધિકારીને અનુયાયી કરવો એટલી તેમની વાસના હતી, પણ ગૃહસ્થ સાધુનો તેને માટે ઉત્તમ અધિકાર ગણાતો ન હતો, અને કેવળ૫રિવ્રાજકો તેમના આશ્રય નીચે હતા તેમાં કોઈ એ પદને માટે યોગ્ય બુદ્ધિવાળું ન હતું. વિહારપુરી ઉપર તેમની દૃષ્ટિ હતી પણ તે વિવાહિત હતો. આ વાત ચન્દ્રાવલીને કાને આવતાં ગુરુજીની વાસના તૃપ્ત કરવા, પોતાના સ્વામીનું પારમાર્થિક કલ્યાણ કરવા, સર્વ સાધુજનનું અને અલખમઠનું વ્યવસ્થાતંત્ર કલ્યાણકારક રહે એવી બુદ્ધિથી, અને તે દ્વારા સંસારમાં અલખ-બોધની ગર્જના સફળ થાય એવી વાસનાથી, ચન્દ્રાવલીએ વિહારપુરીને અભિલાષ દર્શાવ્યો કે તેણે ગુરુજી પાસે ર્‌હેવું અને તેણે તથા પોતે પ્રવ્રજ્યા સાધવી. સર્પ કાંચળી ઉતારે તેમ મદનવિકારનો ત્યાગ કરી આ દમ્પતી એક બીજાને આશીર્વાદ દેઈ વિયુક્ત થયાં, અને તેમની પ્રીતિની અને તેમની વિરક્તિની ચમત્કૃતિભરેલી સુન્દર રસિક કથાઓ ત્રણે મઠનાં સાધુજનોમાં ચાલી. પરિવ્રાજિકામઠની અધિષ્ઠાત્રી થયા પછી પણ સુન્દરગિરિ ઉપર દમ્પતી અનાયાસે મળતાં તે પોતે લીધેલા વ્રતને પ્રતિકૂળ ગણી અને પોતાના અને સ્વામીના વૈરાગ્યના ભયનું કારણ ગણી, ચન્દ્રાવલી પર્વત છોડી માતાના ધામમાં ગઈ અને પુરુષરૂપે ઈશ્વરની કલ્પનાને પોતાના વૈરાગ્યને પ્રતિકૂળ ગણી અલખનાં અમ્બાસ્વરૂપમાં યુક્ત થવા લાગી. આ સ્થિતિ તેણે આજસુધી પાળી, પણ કુમુદ ઉપરની દયાએ અને વત્સલતાએ એને પાછી આટલી સંસારિણી કરી દીધી. પરિવ્રાજિકામઠની બારી પર્વતની ખેામાં પડતી હતી અને સમુદ્રમાં જલશાયિની થવા ઇચ્છનારોનું હૃદય એ બારીને દેખી શું સાહસ કરવા નહી લલચાય એ વિચારે ઉપજાવેલા ભયને લીધે ચંદ્રાવલી કુમુદ ગયા પછી જાતે પાછળ પાછળ આવી. એ ભય તો દૂર થયું, પણ પર્વત ઉપર આવ્યા પછી આપણે જે જે વાર્તા જાણીયે