પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૮


ઉરાડ્યો હોય ને તેની માખો ગણગણે ને દંશ દે એવી મધમાખેાની દશાને લોક પ્રાપ્ત થાય અને આ બે પવિત્ર સ્ત્રીપુરુષના આત્માને ન ઓળખતાં એ લોક તેમનાં શરીરને જ દેખે અને વિપરીત ભાવનાઓ કરવા બેસે. એ સંસારની ભાવનાઓનો તમે હવે ત્યાગ કરો, અને યદુશૃંગની નવીન વિશુદ્ધ ભાવનાઓને પ્રાપ્ત કરવાનો પ્રથમ પ્રયત્ન કરો. જ્ઞાનભારતી, શાંતિદાસને આ ભાવનાઓ પ્રાપ્ત કરાવવાનું કામ તમારા મઠમાંના કોઈ સાધુને સોંપજો.”

શાન્તિદાસ પ્રસન્ન થયો. એ ને શંકાપુરી રજા લેઈ બ્હાર ગયા. ર્‌હેલા મંડળ સાથે વાર્તા વાધી.

વિષ્ણુ૦– હવે મ્હારે તમને ત્રણને એકાન્ત વાત કરવાની છે; ગુપ્ત છે ને ગુપ્ત રાખવાની છે.

ત્રણે જણ સજજ થયા.

વિષ્ણુ૦- કાલથી પાંચ દિવસ મ્હારો દેહ જીવવિનાનો એકલો પડ્યો ર્‌હેશે તેનું રક્ષણ તમો એ, ગુપ્ત મંત્ર રાખી, કરવું.

“જી મહારાજ, આપની આજ્ઞાથી કોઈ પદાર્થમાં વિશેષ નથી તો આ૫ના શરીરસંરક્ષણમાં તો પુછવું જ શું ?” વિહારપુરી બોલ્યો.

“એમાં કાંઈ શંકા જ ન કરવી.” જાનકીદાસ બોલ્યો.

જ્ઞાન૦– સર્વે તેમાં સાવધાન ને સજજ છીએ.

વિષ્ણુ૦- આ શરીર હવે જર્જરિત થયું છે અને નવીનચંદ્રજીને સિદ્ધ કરવામાં મ્હારાથી હવે એક જ ક્રિયા થઈ શકે એમ છે. તેને અનેક ભાષાઓનું જ્ઞાન છે અને અનેક વિદ્યાઓ ને સંસ્કારો તેની બુદ્ધિમાં ભર્યા છે. તેની સ્થૂલ તો શું પણ સૂક્ષ્મ વાસનાઓ પણ આપણને પરોક્ષ છે. એની વાસનાઓ એવી તો સૂક્ષ્મતમ છે કે તેને દગ્ધ થવાનો કાળ બહુ દૂર નથી. એ અસંપ્રજ્ઞાત યોગના અધિકારી છે અને જપાકુસુમ જેવી એની સૂક્ષ્મ વૃત્તિઓનો નિરોધ થશે તો એ પરમ અલક્ષ્ય સ્વરૂપમાં અવસ્થિત થશે. કાલથી પાંચ દિવસમાંની અનુકૂળ રાત્રિયોમાં અનુકૂળ મુહૂર્ત્તોમાં હું તેમના શરીરમાં પ્રવેશ પામવા યત્ન કરીશ અને મ્હારા ચિત્તદ્વારા એમના ચિત્તમાં પ્રવેશ કરી ચિત્તની વૃત્તિઓને દાહ કરવા પ્રયત્ન કરીશ. બાકીનાં કાળમાં હું મ્હારે પોતાને અર્થેજ યોગસ્થ રહીશ. એ રાત્રિયોમાં મ્હારા શરીર બ્હાર નીકળેલા ચિત્તની વિદેહાસિદ્ધિના યોગથી નવીનચંદ્રજીને પણ પ્રકાશાવરણનો યથાપ્રારબ્ધ ક્ષય પ્રાપ્ત થશે. હું જાતે એ દશામાં મૂર્ધજ્યોતિમાં સંયત થઈ