પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

હસતી હસતી સુંદર સઉ સાંભળે એમ બોલી : “ચંદ્રકાંતભાઈ પાસેથી જોઈતી વાત સાંભળવાની ગરજે લાજને આઘે મુકી ગાવાનો ચાળો કર્યો - એ જ – શીરા સારૂ શ્રાવક થઈ ! બીજું શું ?”

કુસુમની જિજ્ઞાસાએ દેખીતી લાજ મુકી, અને બોલીઃ “જાવ ત્યારે એમ ચંદ્રકાંત મ્‍હારા ભાઈ, તેમની પાસેથી કાંઈ સારો બોધ પામવાને માટે તેમની આજ્ઞા પાળું – એનું નામ શીરો હોય તો અમે શ્રાવક, પછી કાંઈ?"

સુંદર પાછી પડી બોલી.

“મોઈ ગા ત્યારે, ચંદ્રકાંતભાઈ પણ તારી પરીક્ષા કરશે – જેણે મુકી લાજ, તેને ન્‍હાનું સરખું રાજ્ય.”

કુસુમ હસી પડી અને બોલી : “હા-હા-! એ ખરું. મ્‍હારે એ રાજ્ય. ચાલો, ચંદ્રકાંતભાઈ, તમે તમારે સાંભળી લ્યો. કાકી તો મને ઘેલી ગણી વેળા વીતાડશે. હું ગાઉં છું – પણ આ તો લાવણી છે તે પુરુષોનો રાગ મ્‍હારાથી નીકળવાનો નહી – માટે અમસ્તું વાંચવા જ દ્યો ને !"

“હવે કાંઈ છટકી જવાશે ? ” ચંદ્રકાંત બોલ્યો.

“લ્યો, ત્યારે ગાઈશ, પણ રાગમાં ભુલ ન ક્‌હાડશો.”

“ભુલો નીકળે ને ક્‌હાડીએ નહીં ? ”

“પુરુષના રાગ મને ન આવડે. ”

“ત્યારે તમારી ચતુરાઈમાં એટલો વાંધો."

“તમે ગાઈ બતાવો તો હું બરાબર ગાઉં. ”

“એવી કાંઈ આપણી સરત નથી. ”

“લ્યો ત્યારે ભાઈની પાસે બ્‍હેનની ભુલો પડશે તો ભાઈને લાજ !”

આ પ્રશ્નોત્તરનો આમ પરિણામ આવતો જોઈ, સુન્દર બોલી. “ગા બાપુ, ગા. ગાવાની થઈ તે તું કાંઈ ગાયા વગર ર્‌હેનારી હતી ? ચંદ્રકાંતભાઈને માથે ગાડવો ઢોળી નાંખીને પણ તું ગાવાની. તે ગાઈ દે એટલે અમે તો જાણીયે કે કુસુમ આવી લાવણીયો ગાય છે."

“હં ! હવે તમને ઉત્તર શું કરવા દેઉં કે શીરો મ્‍હોંમાં જતાં વા લાગે ? – લ્યો, ચંદ્રકાંતભાઈ, સાંભળો ”

થોડી વાર નીચું જોઈ, અાંખો મીંચી, માતાપાસેથી કાગળ લીધા વિના મ્‍હોડેથીજ કુસુમ લાવણ્યમયી (લાવણી) ગાવા લાગી, અને પુરુષના લલકારમાં સ્ત્રીકંઠનું લાલિત્ય અને બાળચેષ્ટાનો ઉત્સાહ ભરવા લાગી. ગાન મન્દ અને સ્થિર સ્વરે વિકસવા લાગ્યું.