પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

"સંસારીઓ પોતાની જાતને માટે સઉ પ્રવૃત્તિઓ કરે છે તે તેમની દશાનું ફળ છે. સાધુજનો પરમ અલખના લેખ સ્વરૂપની જગતકલ્યાણકર ઇચ્છામાં પોતાની ઇચ્છાઓનો અને પ્રવૃત્તિઓનો હોમ કરે છે. પરમ પુરૂષે માંડેલા પરમ યજ્ઞમાં સાધુજનો આમ પોતપોતાની આહુતિઓ આપે છે, અને પોતાની સ્થૂલસૂક્ષ્મ સમૃદ્ધિઓને સ્થૂલસૂક્ષ્મ ભૂત સંગ્રહમાં વેરી દે છે અને તેટલા હોમથી અયસ્કાંતમાં લોહસંક્રાંત થાય તેમ સાધુજનોનાં પુણ્ય તેમના ઉપર પ્રીતિ રાખનારને પ્રાપ્ત થાય છે ને તેમનાં પાપકૃત્ય તેમના ઉપર દ્વેષ રાખનારમાં સ્વભાવબળથી પ્રાપ્ત થાય છે અને તેને અનંતે રાગદ્વેતષરહિત એ સાધુજનો એ દેહથી મુકત થઈ વિદેહ કૈવલ્ય પામે છે."

“આપણ સાધુજનોના લક્ષ્યધર્મની પ્રવૃત્તિનું મૂળ પ્રયોજન, આવું છે. જ્યાં સુધી તેમનાં શરીર વિદ્યમાન છે ત્યાં સુધી લોકનું કલ્યાણ કરવામાં આયુષ્ય ગાળવું એને જ તેઓ ધર્મ ગણે છે, અને આર્ય અનાર્ય, સર્વ ધર્મ એકદેશીય નીવડ્યા છે ત્યારે આ આપણો લક્ષ્યધર્મ સ્વભાવથી સર્વદેશીય અને સનાતન છે, કારણ જગતનું કલ્યાણ કરવું એ સર્વદા સર્વત્ર સાધુજનનું લક્ષણ ગણાયું છે ને ગણાશે. નવીનચંદ્રજી, સાધુજનોના સર્વ ધર્મ આટલામાં પર્યાપ્ત થાય છે. જ્ઞાની કે અજ્ઞાની સર્વને માટે ધર્મ છે, ને ત્યાગીને પણ ધર્મ છે. માટે જ પ્રથમ કહ્યું છે કે,

[૧]"धर्मं शनैः संचिनुयाद्वल्मीकमिव पुत्तिकाः ।
परलोकसहायार्थं सर्वभूतान्यपीडयन् ॥
नामुत्र हि सहायार्थे पिता माता च तिष्ठतः ।

  1. રાફડાને જેમ કીડીઓ સંચિત કરે છે તેમ મનુષ્યે પરલેાકસહાયને અર્થે, સર્વભૂતોની પીડા નિવારતાં નિવારતાં, ધીમે ધીમે ધર્મનો સંચય કરવો. પરલોકમાં સહાયને અર્થે પિતા ને માતા ઉભાં ર્‌હેતાં નથી, પુત્રદારા કે જ્ઞાતિજન ઉભાં ર્‌હેતાં નથી, માત્ર એકલો ધર્મ ઉભો ર્‌હે છે. જન્તુ એકલા જન્મે છે, એકલો જ પ્રલય પામે છે, એકલો સુકૃતને અને એકલો જ દુષ્કૃતને ભેાગવે છે. જ્યારે લાકડા લ્હોડાની પેઠે તેના ભરેલા શરીરનું ઉત્સર્જન કરી બાન્ધવો વિમુખ થઈ પાછા જાય છે ત્યારે ધર્મ તેની પાછળ જાયછે. માટે સહાયને અર્થે ધીમે ધીમે ધર્મનો સંચય કરવો, કારણ ધર્મરૂપ સહાયથી દુસ્તર તિમિરને તરી જવાય છે. તપવડે જેના દોષ નાશ પામ્યા છે એવા ધર્મપ્રધાન પુરૂષને તેના શરીર સાથે જીવતો ને જીવતો પ્રકાશમયરૂપે પરલોકમાં ( ધર્મ ) લેઈ જાય છે. મનુ.