પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૬


છેલી લીટી લંબાતા ત્રુટતા મન્દ પડતા સ્વરવડે ગવાઈ અને ગવાતાં ગવાતાં બંધ પડી. અંદરથી ખેંચાતી કોઈ સાંકળના ખેંચાણથી ંઆંખો પણ મીંચાઈ, મ્હોં મીંચાયું, ક્રિયા બંધ થઈ, અને કેડો ભાગી ગઈ હોય તેમ વળી ગઈ અને કોમળ દેહલતા વળી જઈ બળથી પોતાની પીઠ ઉપર પડી. નીચે કઠણ અને ખડબચડા પથરાઓનું તળ હતું ને જરીક પાછળ દાદર હતો તે ઉપર પડી જ હત તો એ શરીરલતાને હાનિ પ્હોચત. પણ તે પડવા માંડે છે એટલામાં તો સરસ્વતીચંદ્ર લાંબી ફલંગ ભરી પાસે દોડી આવ્યો ને એની પીઠ નીચે હાથ નાંખી એ બે હાથ ઉપર એને ઝીલી લીધી. હાથ ઉપર ચતી પડી રહેલી મૂર્છાવશ દુખીયારી કુમુદનાં દીન મુખ ઉપર પોતાનાં નેત્રનાં આંસુ ટપકતાં હતાં તેને વારવાને અશક્ત પુરુષ એ દુ:ખના કરમાયેલા ભાર જેવી દેહલતાને ઝાલી ગુફાના આ માળની વચ્ચેવચ ઉભા રહ્યો, શું કરવું તે વિચારવા લાગ્યો, અને મૂર્છાવશ મુખ સામું જોઈ દીન મુખે ક્‌હેવા લાગ્યો.

"કુમુદસુંદરી ! જાગૃત થાવ ! હું સરસ્વતીચંદ્ર છું."

ઉત્તર ન મળતાં, અર્ધઘડી ઉભો રહ્યો છતાં મૂર્છા વળવાનું ચિન્હ ન જણાતાં, વચ્ચોવચ પલાંઠી વાળી બેઠો અને પોતાના ખોળામાં કુમુદને સુવાડી. મૂર્છામાં પણ સુન્દર લાગતા અને ચંદ્રપ્રકાશથી સ્પષ્ટ દેખાતા તેના મુખ ઉપર આ પુરુષની દૃષ્ટિ નિરંકુશ વળી રહી. અચેતન પણ કોમળ સ્ત્રીઅંગને અનિવાર્ય અપ્રતિકાર્ય સ્પર્શ એને રોમાંચિત કરવા લાગ્યો અને પળવાર એની બુદ્ધિને શરીરમાં વીંછીના ચ્હડતા વિષ જેવા ઉન્માદે અસ્વતંત્ર કરી દીધી. સર્પના વિષથી લ્હેર આવે તેમ આ દૃષ્ટિમેહથી અને સ્પર્શ મોહથી આ બુદ્ધિની નસોમાં મોહનિદ્રાની લ્હેરો જણાવા લાગી. પણ એટલામાં બ્હારથી અચીંત્યા આવતા પવનને એક ઝપાટે એને જાગૃત કર્યો, કુમુદની દુ:ખી અવસ્થાની, પોતાના દોષની, અને બુદ્ધિધનના ઘરમાં પડેલા પ્રસંગની, તુલનાના વિચાર એના મનમાં ઉભરાવા લાગ્યા, અને મનુષ્યને માથે અસહ્ય ભાર પડતાં બેસી જાય તેમ એ મન્મથ-ઉન્માદ આ વિચારોના ભારથી શાંત થઈ ગયો. વિકારકાળે કંઈ પણ સ્વતંત્ર વિચાર ઉત્પન્ન થાય તે વિકાર આમ ડબાઈ જાય એવો આ નવો અનુભવ અને શોધ થયો ગણી સરસ્વતીચંદ્ર કંઈક નિર્ભય થયો અને ઔષધતુલ્ય થયેલા એવા વિચારનું વધારે વધારે પરિશીલન કરવા લાગ્યો.