પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૮

પ્હોચે છે ને અમારાં નામની કીર્તિ સમજી કે અણસમજી થાય છે ત્યાં સુધી અમારા સામર્થ્યનાં અંકુર સફળ કરવાની અમે કંઈક આશા રાખીએ છીયે અને જ્યાં સુધી એવી એવી આશા રાખીયે છીયે ત્યાં સુધી આ વડવાઈઓને અમે નાગલોક વળગી રહીશું ને ઊર્ધ્વદષ્ટિ રહી અમારાં વિષની ને પ્રકાશની જ્વાલાઓ ઊર્ધ્વગામિની કરી રાખીશું ને ફુવારાની પેઠે ઉંચી ફેંક્યાં કરીશું. સહસ્ત્ર વર્ષોથી અમે માત્ર પવનનું – સંસારને જીવન આપનાર અદૃશ્ય વિદ્યાપવનનું – ભક્ષણ કરી આ વડવાઈઓને બાઝી રહ્યા છીએ તે આરંભેલા કામનો ત્યાગ ભયથી કે અસભ્યદૃષ્ટિથી કરવાના નથી. ગમે તો રાફડાઓની માટીના કાચા પથરા થઈ જશે એટલે તે પરહસ્તથી ભાંગશે પછી અમારી દૃષ્ટિ બંધ થઈ જશે, અને ગમે તો એ રાફડાઓને કોઈ નવા યુગનાં મનુષ્ય ઓગાળશે ને અમારી પ્રણાલિકાઓ કરતાં વધારે વીર્યવતી પ્રણાલિકાઓને બાંધશે ત્યાં સુધી અમે નાગલોક આવું જ ત૫ કર્યા કરીશું ને તે પછી જે મહાન્ વડમાંથી આ વડવાઈએ નીકળી છે તેના ઉપર થઈને એ વડના થડ ઉપર જઈશું ને ત્યાંથી તેના મૂળમાં આ નીચેની ભૂમિકામાં અમારા પિતૃલોકના અધિષ્ઠતા શેષનાગમાં લીન થઈ જઈશું; ત્યાં સુધી અમે અમારા તપનું અને મહાયજ્ઞનું સમાવર્તન નહી કરીયે. માનવીઓ ! આ ઉપરની તામસી સૃષ્ટિના મળથી ને વિષથી લિપ્ત થવાનું ભય તમને ન હોય તો પિતામહનાં દર્શન કરવા પ્હેલાં એ સૃષ્ટિમાં પણ તમે જઈ આવો, ને જો એ ભય તમને હોય તો આ મણિરાશિ ઉપર છતમાં અમારા પ્રકાશનો સ્તમ્ભ ઉંચો ચ્હડે છે તેમાં દૃષ્ટિ કરશો તો પણ થોડું ઘણું જોઈ શકશો.”

રત્નરાશિની વાણી શાંત થઈને બે જણની પાસે રત્નરાશિમાંથી ચ્હડતો પ્રકાશસ્તમ્ભ રહ્યો. સમુદ્રમાંથી વાદળીયો પાણી પીતી ક્‌હેવાય છે ને પાણી ઉંચું ચ્હડે છે તેના જળસ્તમ્ભ થાય છે તેવા આ પ્રકાશસ્તમ્ભમાં થઈને રત્નાકર જેવા રત્નનિધિનો પ્રકાશ ઉંચે ચ્હડતો હતો. તેની વચ્ચે બે જણ ઉંચું જોતાં જોતાં ઉભાં રહ્યાં ને તેની સાથે જ એ પ્રકાશના ઊર્ધ્વ વેગથી ધક્કેલાઈ ઉપર ઉડ્યાં ને પાંખો કામ લાગી.

રાફડાઓને મથાળે જે સ્થાનથી પોતે પ્રથમ અંતર્ભાગમાં આવ્યાં હતાં તે સ્થાન ઉપર આ તેજના ધક્કાથી બે જણ આવીને ઉભાં ને ઉઘાડા આકાશના પ્રકાશ અને પવનથી સ્વસ્થ થયાં. રાફડાના દ્વીપની આશપાશ પિતામહના તેજોનિધિનાં મોજાં ઉછળતાં હતાં ને તેની લ્હેરોથી નવીન