પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮

“forms ! यद्यापि शुद्धं लोकविरुद्धं नाकरणीयं नाचरणीयम् એ અપ્રમાણિકપણાનું શાસ્ત્ર,તે હૃદયના બાયલાઓને સોંપ્યું, સત્યના વીરોને દુનીયાની શી ૫રવા છે ?”

વીરરાવે છાતી ક્‌હાડી અને ઓઠવડે ફુત્કાર કર્યો. શંકરશર્મા ધીમે રહી હસીને બોલ્યો: “પણ ચારિત્ર્ય દૂષિત[૧] કર્યાના આરોપકાળે એકલું સત્યવચન બેાલ્યા છીયે કહ્યાથી આરોપી નિર્દોષી નથી ઠરતો.”

“ઓ -- મિસ્ટર – શંકરશર્મા !–” માથું અને આખું શરીર ઉંચું કરી, આળસ મરડી, હાથ ઉંચા કરી, વીરરાવ બેાલ્યો, “એ તમારું ધર્મશાસ્ત્ર અમારા સત્યશાસ્ત્ર આગળ નિરર્થક છે. રાજનીતિમાં અસત્ય ભળે છે અને તમારા ન્યાયમાં પણ અસત્ય ભળે છે, પણ એવી નીતિ અને એવા ન્યાયના પંઝામાં ફસાયાથી સત્યના વીરો ડરતા નથી. ખરું જોતાં તો ધર્મમાત્રનો આધાર સત્ય ઉપર છે, ને મનુષ્યના જીવનનો અને એના સર્વ ઉચ્ચગ્રાહનો સ્તંભ સત્ય ઉપર ટકેલો છે. આપણા એક કવિએ ધર્મના જ મુખમાં વચન-મુકેલું છે કે

"मया घ्रियन्ते भुवनान्यमूनि
"सत्यं च मां तत्सहितं विभर्ति ॥ [૨]

અને પાશ્ચાત્ય પાંડિત્ય પણ એજ ઉદ્‍ગાર કરે છે. નીતિનો આધાર ધર્મ અને ધર્મનો આધાર સત્ય છે, સત્યના તેજની જ્વાળા, અગ્નિની જ્વાળા પેઠે, સર્વ અવસ્થાઓમાં, ઉંચી અને ઉંચી બળશે, લોકે ધર્મ ગણેલા અધર્મ સત્યના તાપથી ઓગળી જશે, અને કુરાજ્યોની રાજ્યનીતિને ઉથલાવી પાડવા સત્યના વીરો લ્હડશે અને મરશે અને સત્ય વિજયી થશે. માટે સત્યના વીરોએ નથી જોવાનો દેશ, નથી જોવાનો કાળ, અને નથી જોવાનું પરિણામ. વિચાર તે ઉચ્ચાર ! એ જ અમારું સત્ય, અને Damn your states and politics for perverting all the dictates of truth ! ”

આ ગાળોના ઉદ્‍ગાર સાંભળતાં પ્રવીણદાસ તો માત્ર ઠંડો જ થઈ ગયો અને બીજા અધિકારીયોમાં ક્રોધ, હાસ્ય, તિરસ્કાર, આદિ અનેક વૃત્તિઓ સ્વભાવવૈચિત્ર્ય પ્રમાણે રોપાઈ ગઈ. પણ સર્વે આ વેગવાળા પ્રવાહથી સ્તબ્ધ હતા એટલામાં વિદ્યાચતુર અને મણિરાજ આવી સર્વની પાછળ


  1. ૧. ચારિત્ર્ય દુષણ = લાઈબલ = પારકાની આબરૂ હલકી ક૨વી.
  2. ૨ચંડકૌશિક