પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૦


સર૦- તમારું વય એ આજ્ઞા પ્રમાણે બાળક છે, અજ્ઞાન છે - ત્યાં સુધી તમારું પ્રારબ્ધ તમારા હાથમાં નથી પણ તમારા પિતાના હાથમાં છે, તેમની સંમતિ વિના આ વયમાં આપણા સંસર્ગનો કે વિવાહનો રાજાજ્ઞાથી નિષેધ છે. પરિવ્રાજિકામદમાં કે ચન્દ્રાવલીમૈયા પાસે બે વર્ષ ર્‌હેશો તો તે પછી યોગ્ય વિધિથી વિહાર મઠમાં જવાને રાજાભણીનો પણ બાધ નહીં આવે. સંસારની કલ્યાણકર વ્યવસ્થા કરવી તે રાજાનો ધર્મ છે ને તે ધર્મને અનુવર્તી તેણે ધર્મબુદ્ધિથી કરેલી આજ્ઞાઓને સાધુજનો શિર ઉપર ચ્હડાવે છે. લોકવ્યવસ્થાને માટે ચિન્તા કરી રાજાએ કરેલી આજ્ઞાને નિષ્ફળ કરવી એ સાધુજનોના મનથી લોકનાં અકલ્યાણને અને અવ્યવસ્થાનો માર્ગ છે અને એ માર્ગ સાધુજનોએ વર્જ્ય છે. એટલા વિષયમાં ધર્મમૂર્તિ રાજાને ગુરુ ગણી आज्ञा गुरुणामविचारणीया એ પથ્ય નિયમનું સાધુજનો સેવન કરે છે.

કુમુદ૦– એ બાધની કથા તમે અત્યાર સુધી ભુલી ગયા હતા?

સર૦– ના, એ બાધ તમને નથી આવતો પણ મને એકલાને જ આવે છે. રાજાજ્ઞાનો અપરાધી હું થઈશ – તમે નહીં થાવ, એ અપરાધને માટે શિક્ષાપાત્ર હું થઈશ – તમે નહી થાવ. એ શિક્ષાને પ્રાયશ્ચિત્તરૂપ ગણી મ્હારા શિરપર વ્હોરી લેવા હું સજ્જ છું અને જ્યાં સુધી એ અપરાધ કરવાની વાસના હું રાખતો નથી પણ અન્ય ધર્મને બળે તેના પ્રસંગનો પ્રતીકાર કરી શકતો નથી ત્યાં સુધી, હું ઈશ્વરને ઘેર નિર્દોષ છું અને ઈશ્વરને ઘેર પણ તેથી મ્હારો અપરાધ હશે તો તેની શિક્ષા પણ મ્હારે પ્રાયશ્ચિત્તરૂપ જ છે, એ શિક્ષાની મને વાસના હતી અને તેથી મ્હેં તમને આ બાધની વાત કહી ન હતી. તે, તમારી કલ્યાણવાસના પ્રત્યક્ષ કરી એટલે, અને તમારા પ્રશ્નને સત્ય ઉત્તર આવશ્યક થયો એટલે, હવે મ્હેં કહી દીધી.

કુમુદ૦- આ શરીર છે ત્યાં સુધી આ દયા તો નષ્ટ થવાની નથી. કાલ રાત્રે તમે મને ત્રણ માર્ગ બતાવ્યા હતા તેમાંથી ચંદ્રાવલીમૈયા જેવા પ્રેરોક્ષવેદીના યજ્ઞ આપણે બે વર્ષ પાળીશું ને તે પછી પર્ણકુટીમાં ર્‌હેવું કે વિહારમાં ર્‌હેવું કે હાલની પેઠે રહેવું તેનો વિચાર બનશે તેટલો અા પઞ્ચ રાત્રિમાં કરીશું ને બાકીનો અવકાશે કરીશું. એ પરોક્ષવેદીને કાળે કેમ વર્ત્તવું તે પણ આ પઞ્ચ રાત્રિમાં જ વિચારીશું. બે વર્ષ થતા સુધી ને તેટલા કાળ માટે રાજ્યભયમાં તમારું શરીરરત્ન પડે એ કામ તો નહીજ કરું.