પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૬


સર૦– સ્વપ્નશાસ્ત્રના પણ વિચિત્ર ચમત્કારો છે. કુમુદસુંદરી ! આ સ્વપ્નમાં મહાબોધ છે.

કુમુદ૦– છે જ. આપના જેવાના સંસ્કારો એવાં સ્વપ્નમાં અવિક્ષિપ્ત સ્વરૂપ પામે છે. જે વિષયોમાં આપ અનેક ગ્રન્થ લખી શકો તે વિષયો ગુરુજીના પ્રતાપથી આપને આમ સ્વપ્નકાળમાં પ્રત્યક્ષ થયા છે, ને આપની પ્રીતિને યોગે મને પણ પ્રત્યક્ષ થયા. આવું થવાના સંભવની વાતો સાધ્વીજનાએ મને પ્રથમથી કહી હતી અને માટે જ હું ચરણસ્પર્શના લોભમાંથી સ્વપ્ન સમાપ્ત થતા સુધી છુટી શકી નહી.

સર૦- કુમુદસુન્દરી ! હું બહુ દુ:ખી છું.

કુમુદ૦- મ્હારા દુઃખનો નાશ આપે કર્યો ને આપના દુ:ખને મ્હારાથી નાશ નહી થઈ શકે તો હું તેમાં ધર્મસહચારિણી સમભાગિની થઈશ.

સર૦– તમારું દુ:ખ મને વીંછીના દંશ પેઠે શરીરમાં અંદર સાલતું હતું, પણ આ દુ:ખ તો પવન પેઠે ચાર પાસથી બાંધી લે છે.

કુમુદ૦- એ દુ:ખ શું છે!

સર૦– આપણા દેશની ને લોકની સ્થિતિ – એ હવે મ્હારું એકલું દુ:ખ છે તેમાંથી કેમ મુક્ત થવું એ વિચાર હૃદયને હલમલાવી નાંખે છે.

કુમુદ૦– ગુરુજીના રચેલાં સ્વપ્નાદિ યોગ એ દુઃખનો નાશ કરશે અથવા નાશનો માર્ગ બતાવશે.

સર૦– ક્યાં આ એકાન્તવાસી સાધુજન અને ક્યાં આ અનેક વાયુચક્ર જેવા ગુંચવારાઓથી ભરેલી દેશની દશા ? હું તેની તમારી પાસે પણ શી વાત કરું ?

કુમુદ૦– હું એ વાતે સાંભળવાને પાત્ર નથી ને સમજવાને શક્તિવાળી નથી; પણ તે સાંભળવા – સમજવા – નો અધિકાર મને ધીમે ધીમે આપવો એ આપની કૃપાને યોગ્ય કાર્ય છે.

સર૦-એ તો આપણા સહવાસનો જેવો ક્રમ.

કુમુદ૦– એ ક્રમ બંધાઈ ચુક્યો આપને દેખાતો નથી?

સર૦– સાધુજનોને જે ક્રમ વ્યવસ્થિત છે તેમાં સંસાર ગમે તેવે કાળે અવ્યવસ્થા નાંખી શકશે.

કુમુદ૦– તમારા વિના મ્હારે કોઈ રહ્યું નથી, અને સાધુજનોએ ઘડેલી વ્યવસ્થાથી જો આપની પવિત્ર સ્થિતિ જળવાઈ શકશે તો પછી મને મળેલો લાભ આપ પાછો ખેંચી નહીં લ્યો.

સર૦- હું તો નહી ખેંચી લેઉં; પણ તમારો ધર્મ તમને કેવે પ્રસંગે કેણી પાસ નહી પ્રેરે એ ક્‌હેવાતું નથી.