પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૭૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨૫


કુમુદ૦- આપણે આપણા સર્વે આયુષ્યને આનન્દના ક્ષણ પેઠે ગાળી નાંખીશું.

સર૦– હૃદયના વિવાહના એ મનોરથનું આપણે વિવહન કરીશું. મધુર મધુરી, કંઈક મધુર વસ્તુ ગા.

કુમુદ૦–

વિધાતાએ તે લેખ લખ્યા છે !
પ્રાણનાથશું પ્રાણ જડ્યા છે !
બન્યો એવો ચિરંજીવ યોગ !
જો જો ! તારા ! ચન્દ્ર ! ચકોર !

સર૦– એ સત્ય છે. આ તારા અને ચન્દ્ર પણ ચિરંજીવ છે. તેના ભણી આપણું ત્રસરેણુક જીવન ચકોર પેઠે ઉડશે અને સ્થૂલ ભોજન ત્યજી માત્ર સૂક્ષ્મ ચન્દ્રિકાનાં કિરણનું પાન કરશે.

કુમુદ૦-લોકસંઘ આ તારાઓ પેઠે આપણી દૃષ્ટિમર્યાદામાં ઉભરાય છે પણ તે દૂરથી ચમકારા કરે છે અને આપણે દેશ ચન્દ્રની પેઠે પાસે રહી આપણી દૃષ્ટિને ભરે છે ! આપણે ચકોર દમ્પતી પેઠે તેને જોઈ રહીયે છીયે.

સર૦– એમ જ.

કુમુદ૦- આપણે અલ્પ દેહવાળાં પૃથ્વીપરનાં પક્ષી આ ચન્દ્રનું શું કલ્યાણ કરી શકીશું ?

સર૦– આખો દિવસ એ વિચાર કરી હું શ્રાન્ત થઈ ગયો છું ને હવે એ ચન્દ્રની ચન્દ્રિકા મ્હારા શરીરમાં અને મસ્તિકમાં નિદ્રાનો અભિષેક કરે છે. કુમુદ નિદ્રા મને ઘેરે છે ને નીચે જવા જેટલી સત્તા મ્હારામાં નથી.

કુમુદ૦- એ ચન્દ્રિકામાં જ એટલી સત્તા હોય તે તેને હોડીને આપ અત્ર શયન કરો.

સ્વર૦– હા.

નીચે ઉગેલા ઘાસમાં એ સુઈ ગયો ને ગમે તો નિદ્રામાં એણે જાતે મુક્યું કે ગમે તો કુમુદે પડતું ઝીલ્યું – પણ એનું મસ્તક કુમુદના ખોળાનું ઉશીકું કરી સુઈ ગયું.

એની નિદ્રા ગાઢ દેખાઈ એના નિદ્રાવશ મુખ ઉપર ચન્દ્રનાં કિરણ રમતાં હતાં અને પોપચાં ઉપર ભાર મુકતાં હતાં. એની મુછમાં પવન સરતો હતો. એ સર્વ દર્શન કુમુદ આજ સ્વસ્થ ચિત્તથી કરતી હતી ને વિકાર વિના વિચાર કરતી હતી.