પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧૦


લેખોએ વારંવાર સિદ્ધ કરેલ છે. મહારાજ મણિરાજનું બાળક તરુણ થઈ આ સ્થાને શરણ માગે તો તેના ઉપર પણ અમારે અધિકાર પ્રાપ્ત થાય છે ને મહારાજની આજ્ઞાઓ તેને પ્હોચતી નથી.”

સુંદર વ્હીલી અને દુઃખી થઈ બોલી: “ત્યારે શું મ્હારી કુમુદ અમારી મટી ?”

મોહની૦– સુંદરગૌરી, શા માટે શોક કરો છો ? એ મમતામૂલક પ્રશ્ન અમારે ત્યાં નિષ્ફળ છે. સાંસારિકી મમતાનો અમે ત્યાગ કરીયે ને કરાવીએ છીએ.

સુંદર૦- ત્યારે શું કુમુદનું કલ્યાણ કરવાનો અમારો અધિકાર ઉતરી ગયો ?

હસીને મોહની બોલી : “તમે વળી કયે દિવસે એ અધિકાર તમારી પાસે રાખ્યો છે જે ? તમે વિવાહની વઞ્ચના કરી એના ક્‌હેવાતા પતિને એને સોંપી દીધી તે દિવસથી તમારો અધિકાર તમે એ ક્‌હેવાતા પતિને સોંપી દીધો. તમારી પાસે તે હવે ક્યાં છે ? સત્ય જોતાં તો એ સોંપવાનો અધિકાર પણ તમારી પાસે તમે માન્યો તે તમારો મહાન્ દૃષ્ટિદોષ થયો, એ દોષ જે કાર્યનું કારણ થયો તે મહાન્ અને ક્રૂર અધર્મ થયો, એથી તમારી નિર્દોષ પ્રિય પુત્રીને જે પ્રહાર વેઠવા પડ્યા તેથી સિદ્ધ થયું કે તમે એનું કલ્યાણ કરવાને શક્તિહીન છો, અને જે કલ્યાણ કરવા માતાપિતા અશક્ત નીવડ્યાં તે કલ્યાણ અમ સાધુજનોએ એને પ્રાપ્ત કરાવ્યું. હજી વધારે સૂક્ષ્મ વિચાર કરો તો આ અધર્મ અને અકલ્યાણનું પાપ આવી વ્યવસ્થાની કારણભૂત રાજનીતિને અને એ નીતિ પાળનાર રાજાને પણ સ્પર્શે છે, ભારતવર્ષના મહારાજ , ભરતના પિતા દુષ્યન્તનું વાક્ય છે [૧] કે જ્યારે જ્યારે માતાપિતા આદિ સ્નિગ્ધ સંબંધીઓને મ્હારી પ્રજાનો વિયોગ થશે ત્યારે ત્યારે તેમનું અપાપ સંબંધિકૃત્ય હું કરીશ. આ વિયોગ તો કેવળ મૃત્યુજન્ય નહી પણ બુદ્ધિભ્રરમાદિજન્ય ગણવો એટલે બુદ્ધિભ્રમથી માતાપિતાદિક વર્ગ પુત્રાદિકનું સ્નેહથી કલ્યાણ કરવું મુકી દે ત્યારે પણ એ સ્નેહમય માતાપિતાદિનો પુત્રાદિકને વિયોગ થયો જ ગણવો; અને એ માતાપિતાદિકે પડતું મુકેલું કાર્ય રાજાએ આરંભવું એવું અમારા પ્રાચીન રાજધર્મવેત્તાઓ લખી ગયા છે.


  1. १. येन येन वियुज्यन्ते प्रजाः स्निग्धेन बन्धुना ।
    स स पापादृते तासां दुष्यन्त इति घुष्यताम ॥
    (शाकुन्तल)