પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪૯

શેઠના કાનમાં કહ્યું હતું. આ સર્વ વિચારી લક્ષ્મીનંદનનું પૌત્રલાલસાવાળું હૃદય ચિન્તાતુર ર્‌હેતું, અને ચન્દ્રાવલી અને વિહારપુરી પેઠે ર્‌હેવાની લાલસા પોતાનાં પુત્રવધૂમાં છે જાણીને તે છેક નિરાશ ર્‌હેતો ને કળે કળે નિમિત્તે નિમિત્તે ગુમાન કુસુમવહુને ઉપદેશ અને ઉદ્દીપન કરવાને ચુકતી નહી.

અંતે સરસ્વતીચંદ્રના લગ્નનું વર્ષ પુરું થયું તે દિવસે ગુમાને વાલકેશ્વરની મહાપૂજા કરાવી ને બંગલામાં પોતાની ઇષ્ટસિદ્ધિ થઈ માની સત્યનારાયણની પૂજા કરી હરદાસની કથા માંડી તેમાં પુત્રના સર્વ મિત્રોને ને આશ્રિતોને આમંત્ર્યા. વાલકેશ્વરના બંગલામાં બે મડમો કુસુમને ઈંગ્રેજી કલાઓ શીખવવાને આવતી ને ઈંગ્રેજ, પારસી, મુસલમાન વિદ્વાન ગુણી મિત્રો આવતા તેમને માટે પણ “ પાર્ટી ” આરંભી. ત્યાં “પીયાનો”નું ગાયન આરંભાયું ને શ્રીમતી ત્યાંનાં અતિથિમંડળનું આતિથેય કરતી હતી.

હરિદાસ કુસુમને લઈ સ્ટેશન ઉપર ગયો હતો - કુમુદ અને તેની સાથનું મંડળ મુંબાઈ આવી માંહ્ય માંહ્યથી નાશક યાત્રાર્થે ગયું હતું તે અત્યારે આવવાનું હતું.

પોતાની દેશપ્રીતિના મનોરાજ્યના પ્રથમ ઉદયકાળે કરેલી કલ્પના પ્રમાણે ઉદ્ધતલાલે વ્યાપાર શીખવા વીલાયત અને અમેરિકા જવાનું સ્વીકાર્યું હતું. તરંગશકર અને વીરરાવે કલ્યાણગ્રામમાં સકુટુમ્બ ર્‌હેવાનું સ્વીકાર્યું હતું. ચંદ્રકાંતે વકીલાત છોડી કલ્યાણગ્રામની વ્યવસ્થાના તંત્રીનું કામ સ્વીકાર્યું હતું, ને ગંગાભાભી સાથે એ ગ્રામમાં ર્‌હેવાને એ બંધાઈ ચુક્યો હતો. આ મંડળ, અને ભૂત તથા વર્તમાનમાં સરરવતીચંદ્રની ગુણજ્ઞ ઉદારતાએ ઉપકૃત કરેલું વિદ્વાનો – કારીગરો - ને - વ્યાપારીયોનું મંડળ, અાજ ભેગું થયું હતું.

કુમુદ અને તેની સાથના મંડળને લેઈ કુસુમ અને હરિદાસ આવ્યાં તેની સાથે ગુમાનની આજ્ઞાથી વાજાવાળાનું “બેણ્ડ” વાગવા માંડ્યું. કુમુદ વિના બીજા કોઈને ન દેખતી ઘેલી કુસુમ બંગલામાં એની સાથે લપાઈ લપાઈને વાતો કરતી ચ્હડી. પોતાના બંગલાની એ પાસ વેલાઓ વચ્ચે માંડવામાં ઉભો ઉભો ચંદનીના અજવાળામાં અત્યારે સરસ્વતીચંદ્ર કાશીનગરીથી પોતે આમન્ત્રલા એક પરમહંસ પરમજ્ઞાનરૂપ જીવન્મુકત મહાત્મા પાસેથી કંઈ ઉંડો બોધ લેતો હતો તે બેણ્ડ સંભળાતાં એ મહાત્માની આજ્ઞાથી ઉઠ્યો અને, સામે જઈ, કુમુદનું કુશળ પુછી, કુમુદ-કુસુમની