પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫

વીર૦ – “એટલે સરકાર પુરુષ, તમે સ્ત્રી, અને ઉભયનો સંસાર – એમ જ કે નહી ? ચંદ્રકાંત, હવે તો આ પતિવ્રતાને નમસ્કાર કરો ને તેની ક્ષમા માગો. પતિવ્રતા સ્ત્રીની પાસે તેનો સ્વામી પરસ્પર શૃંગારવાસનાની અભિવૃદ્ધિને સટે તેના માંસભક્ષણનો અભિલાષ રાખે એવાં વચન આપણે ઉચ્ચાર્યાં એ આ મહાપતિવ્રતાનો શાપ આકર્ષે એવો દોષ ! હરિ ! હરિ | अब्रह्मण्यं अब्रह्मण्यमः ! સતી માતા ! અમારો અપરાધ ક્ષમા કરો ! !”

શંકર૦ – “વીરરાવ ! બ્રહ્માના પાંચમા મુખ પેઠે તમારા મુખને બોલવું હોય તે ભલે તેની પાસે બોલાવો. મહાન્ વિષયને સામાન્ય વિચારની ભાષામાં બોલવાના મ્હારા પ્રયત્નમાં ઉપમા–દોષ આવતો હોય તો તેનો અર્થગુણ લઈ ભાષાદોષ સુધારી લેવા એ ગુણજ્ઞજનનું કામ છે. મ્હારે ક્‌હેવાની કથા એટલી કે મ્હેં જે વર્ણવ્યો એવો સંબંધ સરકાર અને અમારાં સંસ્થાનો વચ્ચે બંધાશે. જર્મનીની પેઠે અમે ક્ષણિક અને નૈમિત્તિક સ્વાર્થથી ઈંગ્રેજી રાજ્ય સાથે બંધાવાના નથી પણ નિત્ય સ્વાર્થથી સંધાઈશું–”

વીર૦ – “તમે ઉપમા આપી તેમાંની શુંગારવાસના તે જુવાની જતાં નાશ પામે એટલી અનિત્ય છે. તમારી અને તમારા ધણીની જુવાની ઉતરે ત્યારે તમારું શું થાય ?”

“Thank you !” વીરરાવને આથી વધારે ઉત્તર ન દેતાં શંકરશર્મા વાધ્યો.

“ચંદ્રકાંતજી, અમેરિકામાં યુનાઈટેડ સ્ટેટ્સનો સંયોગ જેવો છે તેવો દેશી રાજ્યોનો અને ઈંગ્રેજ સરકારનો કાળક્રમે થશે. અમે પાશ્વાત્ય રાજ્યકળાઓથી પાછળ છીયે ત્યાં સુધી એ કાળ નહી આવે. પણ પરદેશી ઈંગ્રેજો પોતાની હીન્દી પ્રજાને સ્વાર્થ-વિરોધથી જે સુખ અને સમૃદ્ધિ કદી આપી શકવાની નથી એ સુખ અને સમૃદ્ધિ દેશી રાજ્યોના રાજયકર્તાઓ પોતાની પ્રજાને પ્રમાણમાં અલ્પ પ્રયાસે આપી શકશે, અને તે દિશામાં તેમના પ્રયાસ-પ્રવાહનો આરંભ ક્વચિત્ થયો છે. સાધારણ સદ્‍ગુણ, કંઈક ઉચ્ચ અભિલાષ, અને ઇંગ્રેજનું અનુકરણ કરી શકે એટલી કળા: આટલાના જ સંયોગથી દેશી રાજાઓ પોતાની પ્રજાને પાડોશની ઈંગ્રેજી પ્રજા કરતાં વધારે સુખી કરી શકે છે તે અમે પ્રત્યક્ષ કરી શકીયે છીયે. આ ગુણોનો વિકાસ અને પરિપાક દિવસે દિવસે વિશેષ થશે તેમ તેમાં અમારી પ્રજા અને તમારી પ્રજાઓનાં સુખ સરખાવતાં અમારી પ્રજા