પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૯

શોધવાનો છે દેશી રાજ્યોને શિર ઈંગ્રેજી સામ્રાજ્યનું ચક્રવર્તિત્વ છે, સર્વ દેશી રાજ્યોના અને ઈંગ્રેજી રાજ્યના સર્વ સામાન્ય લાભાલાભ વિચારી અમારા રાજાજેવા સર્વ રાજાઓનું મહારથીપણું એ ચક્રવર્તીને શિર છે અને એ મહારથીની પાછળ વિગ્રહકાળનાં તેમ શાંતિકાળનાં પ્રયાણમાં અમારે ઉત્સાહથી અનુસરવું એ અમારે માંડલિક ધર્મ છે. એ ધર્મ જેટલી મર્યાદામાં અમારા ધર્મ પ્રજાધર્મને અનુસરતા છે. અમારો ચક્રવતીં અમારે માટે જે દેશકાળ રચે તેમાં તમારી પેઠે જ પ્રારબ્ધવાદી થવું એ કંઈક અમારો ધર્મ છે, આખી મનુષ્યસૃષ્ટિના લોકપ્રવાહ કેમ ચાલે છે તેની પર્યેષણા અમારા વિષયમાં અમારે મહારથી કરે તે યોગ્ય છે, એવી એવી પર્યેષણાઓ કરી તે જે દેશકાળ અમારે માટે રચે તેમાં અમારે તેની પાછળ અનુસરવું એ વ્યવહાર પ્રસ્તુત વિષયમાં અમારે ધર્મ્ય છે. ચક્રવર્તી અમારે માટે જે દેશકાળ રચે તેના કરતાં વધારે પર્યેષણા વ્યવહારમાં કરવી એ અમારે માટે ધર્માતિક્રમ છે પણ અમારી પ્રજાના કલ્યાણના વિષયમાં જો એવી પર્યેષણા ન કરીએ તો અમારા ધર્મમાં અમે ન્યૂનતા રાખીયે. અમારી પ્રજાના કલ્યાણકાળે અમે તમારાં બતાવેલા સત્ય ઉપર અમારા ધર્મનો પાયો ચણીશું. પ્રસ્તુત વિષયમાં – ચક્રવર્તીના સંબંધમાં – એ સત્યને અમે અંધકાર જેવાં ગણીશું, અને અમારો મહારથી જે પ્રનાલિકા દર્શાવશે તેના તેટલા પ્રકાશમાં સેનાની પલટણો પેઠે ચાલીશું, એમ ન કરીયે તો હજારો વર્ષોની અવ્યવસ્થાને અંતે ભરતખંડના ભાગ્યમાં ઈશ્વરે રચેલી સૂક્ષ્મવ્યવસ્થાના નાશના એક સાધક થવાનું મહાપાતક અમારે માથે બેસે. આ અમારા રાજાઓના ધર્મનું તારતમ્ય.”

“વીરરાવજી અને ચંદ્રકાંતભાઈ કહે છે તે પ્રમાણે અમારું વૈધવ્ય નિર્મેલું કલ્પી, આજના અમારા સૌભાગ્યકાળે, અત્યારથી જ અમારા ચુડા ભાંગવાનો ધર્મ પાળવાનું પ્રારબ્ધ વ્હોરી લેવાનું કાંઈ કારણ નથી; તેમ એ વૈધવ્યનું ભય અમારે શિર આવી બેસે તે પ્રારબ્ધની અવગણના કરવા જેવું પણ નથી. પ્રવીણદાસ અને શંકરશર્મા અમારા સદ્ભાગ્યનાં સ્વપ્ન જુવે છે તે સ્વપ્ન ખરાં પાડવાં એ મહાપુરુષાર્થ અને મહાપ્રારબ્ધ - ઉભય - ના હાથની વાત છે. એ પુરુષાર્થના આરંભ હજી સુધી દૃષ્ટિમર્યાદામાં ઉદય પામ્યા નથી. પણ આ બે વિદ્વાનોને સાધ્ય સુઝયાં છે તો કોઈને પણ સાધન સુઝે તો તે અશકય નથી. એ પુરુષાર્થને અંતે એ મહાપ્રારબ્ધનો કાળ રચવો તે તો ઈશ્વરના ને ચક્રવર્તીના હાથની વાત તમારી સર્વની પર્યેષણાઓનો અમારે માત્ર આટલો ઉપયોગ.