પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧


ગામ હોય ત્યાં બ્રાહ્મણની પોળ પણ હોય અને ધેડવાડો પણ હોય. મનુષ્યવૃત્તિ હોય ત્યાં ઉદાત્તત્તા પણ હોય ને અનુદાત્તતા પણ હોય. ઈંગ્રેજ અધિકારીઓના ગુપ્ત ને પ્રકટ અનુદાત્ત મર્મ ભણીથી આપણો ઘાત ન થાય એટલી સંભાળ રાખી, એ સંભાળને જે આપણો એકલો સ્વાર્થ ગણવાની પ્રવીણદાસ ભુલ કરે છે તે ન કરી, તમારા ઈંગ્રેજી ભરતખંડના મહાજનના અગ્રેસરો, વિદ્ધાનો, અને વર્તમાનપત્રો અમને સાહાય્ય આપે અને ઠપકા આપે અને અમે તેમને આપીએ અને તે માર્ગથી તમારા રાજા અને અમારા ચક્રવર્તીના ઉદાત્ત મર્મને સતેજ કરી, તેની પાસેથી મ્હોટાં વરદાન આકર્ષી લેઈએ તો તેમાં રાજદ્રોહ નથી, અશકયતા નથી, અને ધર્મ અને પુરુષાર્થ છે. દેશી રાજ્યોમાં આ પુરુષપ્રયત્ન કરવા જેટલી શક્તિ આવશે તો તમારી ભાષક ને યાચક કાન્ગ્રેસને માથે ભરતખંડના રાજાઓના સંયોગથી કોઈ કાર્યસાધક સંયુક્તરાજસભા થશે અને તેમાં ચક્રવતી પ્રમુખસ્થાને વિરાજશે. જર્મનીના રાજાઓના સંયોગ–federation-કરતાં, અને અમેરિકાનાં સંયુક્ત સંસ્થાનોનાં કરતાં, આ સંયોગ, આ દેશની સ્થિતિ- નીતિને આધારે, કાંઈ જુદો જ થશે. પણ એવો પુરુષપ્રયત્ન જન્મ નહી પામે, અથવા જન્મ પામીને બુદ્ધિબળના દાવમાં હારશે, અથવા ધૈર્ય અને સદાગ્રહને સ્થાને ધૃષ્ટ્તા, ઉતાવળ, અને દુરાગ્રહના પાસા નાંખશે તો રાજાઓની દશા, છે એનાથી વધારે દુ:ખ ભરી, થશે. ગમે તો આવી વૃદ્ધિ અને ગમે તો આવો વિનાશ, એ બેમાંથી એક ભાગ્ય દેશી રાજયોને માથે ભમે છે, એ ભાગ્યનું વધારે નિશ્ચિત સ્વરૂપ આટલે છેટેથી આજ સમજવું કઠણ છે. અાજ માત્ર એટલું સમજાય છે કે સર્વ રાજ્યોને અને સર્વ લોકપ્રવાહને અત્યંતત્વરાબળથી ખેંચતો આજકાલનો વેગવાન યુગ દોડે છે તેની સાથે નહી દોડી શકે તે પાછળના અંધકારમાં રહી જશે અને દોડધામ કરી રહેલી સૃષ્ટિના પગતળે આવી કચરાઈ જશે.[૧] તમે કે અમે જે હઈશું તેને શિર આવા જ ભાગ્યનું ભ્રમણ જોઈ લેવું.”


  1. * “Constant changes . . the restless activity of the age and itsceaseless innovations are constantly bringing about. The day has passedwhen the East could 'bow low before the storm in patient deep disdain.'The legions still thunder by, but Oriental society can never go backentirely to what it was. To-morrow will not be as yesterday, and theintercourse of the Native States with the British Government canbe no exception to the rule.”-Lee-Warner.