પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
સરદાર વલ્લભભાઈ

જે વીર પુરુષે આ લડત ઉઠાવી છે, તે નામર્દને મરદ બનાવે એવા છે, અને ખેડા જિલ્લો હિંદમાં વીર પુરુષની ભૂમિ છે. તેઓ આવી મદદનો વિચાર પણ ન કરે. પૈસાની મદદથી ખરો લાભ ન થાય. તેથી કાંઈ ખરું દુઃખ ન ટળે. એક વખત દુઃખ ઉઠાવી સરકારની પદ્ધતિ ફેરવીશું તો જ હંમેશનું દુઃખ ટળશે.”

આ લડતનું મૂળ રોપવામાં શ્રી મોહનલાલ પંડ્યાની સાથે શ્રી શંકરલાલ પરીખનો પણ હાથ હતો. તેઓ શરૂથી તે આખર સુધી લડતમાં સામેલ રહ્યા હતા. આ જ અરસામાં શંકરલાલની જાણ બહાર તેમની જમીનનું મહેસૂલ તેમના ખેડૂતને સમજાવી, દબાવીને ગામના મુખીએ ભરાવી દીધું અને સરકારી દફતરે તે શ્રી શંકરલાલને નામે જમા થયું. શંકરલાલે બનેલી હકીકત અતિશય દુઃખ સાથે ગાંધીજીને કહી. તેમને પણ દુઃખ થયું. તેમને થયું કે આ વસ્તુનો બહુ અનર્થ થશે. તેમણે શંકરલાલને કહ્યું કે, “તમારું મહેસૂલ ગમે તે રીતે ભરાયું હોય પણ આથી તમારી પ્રતિજ્ઞાપાલનમાં દોષ તો આવે જ છે એમ મને લાગે છે. માટે દોષમુક્ત થવાનો ઉપાય એ જ કે એ જમીન તમારે ગામને સાર્વજનિક ઉપયોગ માટે ધર્માદા આપી દેવી.” શંકરલાલે આ સલાહ માની જમીન ગામને આપી દઈ પોતાની ગફલતના દોષનું નિવારણ કર્યું.

ગાંધીજી જ્યારે ઈંદોર ગયા હતા ત્યારે વડથલના કેટલાક આગેવાનોની હજાર રૂપિયાની કિંમતની જમીન થોડાક રૂપિયાના મહેસૂલ માટે ખાલસા કરવામાં આવી. ગાંધીજીએ આવીને તેમને સલાહ આપી કે જાણે ખાલસાની નોટિસો તમારા ઉપર બજી જ નથી એમ માનીને તમે ખેતરોમાં જે કામ કરતા હો તે કર્યાં કરો. અમલદારોએ ધારેલું કે ખાલસાથી ડરી જઈ ખેડૂતો ખુશામત કરતા અને સલામો ભરતા મહેસૂલ ભરવા આવશે. પણ આ ખેડૂતોએ તો ખાલસાની નોટિસોને ગણકારી જ નહીં અને ઊલટા વધારે મક્કમ બન્યા. એટલે અમલદારોએ ખાલસાની નોટિસો આપેલી હોવા છતાં એ આસામીઓને ત્યાં જપ્તીઓ કરીને મહેસૂલ વસૂલ કર્યું.

સરકારી અમલદારોનો જપ્તીનો સપાટો વધતો જતો હતો. બીજી તરફથી ગાંધીજી, સરદાર અને બીજા કાયકર્તાઓ ગામડે ગામડે ફરી લોકોને હિંમત આપી રહ્યા હતા, અને તેમની પ્રતિજ્ઞાની બાબતમાં જાગ્રત રાખતા હતા. ખેડા


    એ ઉપરાંત સરકારની જપ્તીમાં મહેસૂલ કરતાં ઘણી વધારે કિંમતનો માલ જાય અને તે પાણીને મૂલે હરાજ થાય એ વધારાનું દુઃખ આવે છે. માટે જેઓ ભરી શકે એવા હોય તેઓને વાંધા સાથે ભરવાની સલાહ આપીએ અને જેઓ ગરીબ હોય તેમને માટે ફંડ કરી તેમાંથી મહેસૂલ ભરાવી દઈએ અને આપણી બંધારણીય લડત ચાલુ રાખીએ. સરદારના ભાષણમાં આ વસ્તુનો જવાબ છે.