પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
ખેડા સત્યાગ્રહ- ૨


ભેદ હશે તેનું અનુમાન કરતાં એમ જણાય છે કે દિલ્હીની યુદ્ધ પરિષદમાં જવા માટે નીકળતી વખતે ગાંધીજીએ કમિશનર મિ. પ્રૅટને કાગળ લખ્યો હતો કે :

“યુદ્ધ પરિષદમાં હાજર રહેવા હું દિલ્હીં જાઉં છું. આ પરિષદ અને તેના હેતુ આગળ ધરી હું તમને ફરી વિનંતી કરતાં અચકાતો નથી કે બાકી રહેલી મહેસૂલ આવતી સાલ સુધી મુલતવી રાખો. તમે ખાતરી રાખો કે સરકારનો આવો ઠરાવ બહાર પડતાંની સાથે જ સારી સ્થિતિવાળા લોકો આપોઆપ મહેસૂલ ભરી દેશે. હું જે ના○ વાઈસરૉયને દિલ્હીમાં કહી શકું કે અમે ખેડામાં અમારા ઘરનો કજિયો હોલવ્યો છે તો તેમને કેટલી બધી શાંતિ વળશે ?”

સંભવ છે કે ગાંધીજીને આનો જવાબ ન આપતાં ઉપર મુજબના હુકમો કાઢીને મુંબઈ સરકારને અને હિંદ સરકારને ખબર આપવામાં આવી હોય, જેથી અમલદારો યુદ્ધ પરિષદમાં વાઈસરૉયને કહી શકે કે અમે તો ગાંધીની માગણી પ્રમાણે હુકમો કાઢી દીધા છે છતાં તેણે સત્યાગ્રહની લડત ચાલુ રાખી છે. આમ વાઈસરૉય આગળ પોતે સતા થવાની અને ગાંધીજીને ખોટા દેખાડવાની અમલદારોની યુક્તિ હોય. બીજું સંભવિત અનુમાન એ પણ છે કે વાઈસરૉયના કહેવાથી મુંબઈના ગવર્નરે કલેક્ટર કમિશનરને સૂચના કરી હોય કે સામ્રાજ્યની કટોકટીને વખતે આ ઝઘડો પતાવી નાખો. પણ સિવિલિયનોને એ વસ્તુ ગમતી ન હોય તો તેઓ વાઈસરૉય કે ગવર્નરની નીતિમાં હજાર જાતની મુશ્કેલીઓ ઊભી કરી તેનો અમલ અશક્ય બનાવી મૂકે છે એવું ઘણી વાર જોવામાં આવ્યું છે. એટલે આ હુકમ માત્ર ઉપરનાઓને બતાવવા પૂરતો જ કાઢ્યો હોય અને જિલ્લામાં તો પોતાની મરજી પ્રમાણે જ હાંક્યે રાખ્યું હોય.

લડત બંધ કરવાની પત્રિકામાં ગાંધીજીએ અને સરદારે જણાવ્યું કે :

“…લડતનો અંત તો આવ્યો છે પણ અમારે દિલગીરી સાથે કહેવું પડે છે કે તે અંત માધુર્યરહિત છે. ઉપરનો હુકમ ઉદાર દિલથી રાજી થઈને કરવામાં નથી આવ્યો, પણ પરાણે થયા જેવો ભાસ આવે છે. … તા. ૨૫મી એપ્રિલે એ હુકમો પ્રજાએ જાણ્યા હોત તો કેટલી હાડમારીમાંથી પ્રજા બચી જાત ? જપ્તીઓ કરવાનું જે નકામું ખર્ચ જિલ્લાના અમલદારોને તે જ કામ ઉપર રોકી કરવામાં આવ્યું તે બચી જાત. જ્યાં જ્યાં મહેસૂલ બાકી છે ત્યાં પ્રજા ઊંચા જીવે રહી છે. જપ્તી ન થઈ શકે તેમ કરવા ખાતર તેઓ ઘર ત્યજી બહાર રહ્યા છે, ખાવાનું પણ પૂરૂં ખાધું નથી. બહેનોએ ન સહન કરવાનું સહન કર્યું છે. કોઈ કોઈ વેળા ઉદ્ધત સર્કલ ઇન્સ્પેક્ટરોનાં અપમાન પણ સહન કર્યાં છે, દુઝણી ભેંસોને છોડી જતાં તેઓએ સાંખ્યું છે. ચેાથાઈના દંડ ભર્યા છે. . . . અધિકારી વર્ગને ખબર હતી કે લડતનું મૂળ જ ગરીબ લોકોની કઠણાઈ હતું. આ કઠણાઈ સામું જોવાની કમિશનર