પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સરદાર વલ્લભભાઈ

છેલ્લો પત્ર તા. ૨૨-૬-’ર૦ના રોજ લખ્યો. તેના જવાબ સંતોષકારક ન મળ્યા એટલે દેશભરમાં અસહકારની તૈયારીઓ ચાલી.

ગુજરાત રાજકીય પરિષદ જે દર વર્ષે મળતી તેના તરફથી આખું વર્ષ કામ ચાલુ રાખવા નિમાયેલા ગુજરાત રાજકીય મંડળની એક બેઠક તા. ૧૧-૭-’૨૨ના રોજ નડિયાદ મુકામે મળી. તેમાં સરદારની દરખાસ્તથી અસહકારનો ઠરાવ પાસ કરવામાં આવ્યો.

ગાંધીજીએ તા. ૧લી ઑગસ્ટે પોતાને મળેલા બધા ચાંદો - બોઅર વૉર મેડલ, ઝૂલુ વૉર મેડલ અને કૈસરે હિંદ સુવર્ણ ચાંદ - વાઈસરૉયને પાછા મોકલી આપીને અસહકારની શરૂઆત કરી. અસહકાર વિષે વિચાર કરવા સપ્ટેમ્બરની શરૂઆતમાં કૉંગ્રેસની ખાસ બેઠક કલકત્તામાં મળવાની હતી. તે પહેલાં ગુજરાતનો અભિપ્રાય ત્યાં રજૂ થઈ શકે તે માટે તા. ૨૭-૨૮-૨૯ ઑગસ્ટના રોજ ગુજરાત રાજકીય પરિષદ અમદાવાદમાં શ્રી અબ્બાસ સાહેબ તૈયબજીના પ્રમુખપણા નીચે બોલાવવામાં આવી. સરદાર સ્વાગતસમિતિના પ્રમુખ ચૂંટાયા. તેમના ભાષણમાંથી થોડા ઉતારા અહીં આપીશું. પરિષદ બોલાવવાનું કારણ જણાવતાં તેઓશ્રીએ કહ્યું:

“કલકત્તામાં આવતા અઠવાડિયામાં કૉંગ્રેસ મળશે તે પહેલાં હિંદુસ્તાનની પ્રજાએ અસહકારના વિષય ઉપર ખૂબ વિચાર કરી પોતાનો મત કૉંગ્રેસને જાહેર કરવો એવો ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીએ ઠરાવ કર્યો છે. તેથી આ પરિષદ વહેલી ભરવામાં આવી છે. . . . અસહકારનો માર્ગ ચાલતી આવેલી દિશાથી વિરુદ્ધ છે અને ભારે જોસથી ચાલતા આવેલા પ્રવાહને તે દિશામાં લઈ જવાનો મહાન પ્રશ્ન આપની સમક્ષ રજૂ થયો છે. . . . અસહકારની તરફના તેમ જ તેની વિરુદ્ધના – બંને વિચારનાને આગ્રહપૂર્વક આ પરિષદમાં નોતરવામાં આવ્યા છે. . . . ઉભય પક્ષને ખૂબ ધીરજ અને સભ્યતાથી સાંભળવાની જરૂર છે. સ્વરાજ ઇચ્છનાર પ્રજા પ્રજામતના કોઈ પણ પક્ષને અનાદર કરી શકતી નથી. સર્વ પક્ષનું અંતિમ લક્ષ્ય તો એક જ છે. ફક્ત સાધનોની પસંદગીમાં મતભેદ છે. . . .”

ત્યાર પછી અસહકાર કરવાની હદ સુધી આપણે કેમ પહોંચ્યા તેનો ઇતિહાસ આપ્યો છે. તેમાંના મુખ્ય મુદ્દા અહીં આપ્યા છે:

સને ૧૯૧૪માં યુરોપમાં યુદ્ધ શરૂ થયું તે વખતે એમ કહેવામાં આવ્યું કે નાનાં નાનાં રાજ્યોની સ્વતંત્રતાના બચાવ ખાતર તેમ જ સત્ય અને ન્યાયની ખાતર ઇંગ્લંડને તલવાર ખેંચવી પડી છે. રણસંગ્રામમાં હિંદના લાખો સિપાઈઓ યુરોપ, આફ્રિકા અને એશિયાનાં જુદાં જુદાં મેદાનમાં પાતાનું લોહી રેડવા ગયા. અત્યારે હિંદુસ્તાનના જેવી ગરીબાઈ પૃથ્વીના પડ ઉપર ભાગ્યે જ કોઈ જગ્યાએ હશે. છતાં પોતાનાં કરોડો બાળકોને ભૂખે