પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮
સરદાર વલ્લભભાઈ


પછી નાગપુરની કૉંગ્રેસ થઈ. કૉંગ્રેસના ઈતિહાસમાં અનેક રીતે આ કૉંગ્રેસ મહત્વની ગણાય. અગાઉની કોઈ કૉંગ્રેસ કરતાં આમાં પ્રતિનિધિઓની સંખ્યા વધારે હતી. કલકત્તાની કૉંગ્રેસમાં અસહકારનો ઠરાવ પસાર થયો પણ ત્યાં વિરોધી મતની સંખ્યા ઠીક ઠીક હતી, જ્યારે નાગપુરમાં લગભગ વીસ હજાર પ્રતિનિધિઓ હતા તેમાંથી વિરુદ્ધ મત બે જ હતા. મને ખ્યાલ છે તે પ્રમાણે એ બેમાં એક તો જનાબ ઝીણા હતા. તેમણે અસહકારના ઠરાવ વિરુદ્ધ બહુ જબરું ભાષણ કર્યું હતું. પછી ઠરાવ ઉપર મત લેવાતાં પોતાના ઉપરાંત બીજો એક જ હાથ ઊંચો થયો એટલે તેઓ કૉંગ્રેસ છોડીને ચાલ્યા ગયા. નાગપુરમાં જે મહત્ત્વનું કામ થયું તે તો કૉંગ્રેસનું પાકું બંધારણ ઘડાયું એ હતું. એ બંધારણનો મુસદ્દો ગાંધીજીએ કરેલો હતો અને ૧૯૪૭માં આપણું સ્વરાજ્ય થયું ત્યાં સુધી મોટે ભાગે એ જ બંધારણ ચાલુ રહ્યું. કૉંગ્રેસનું જૂનું ધ્યેય બદલીને નીચે પ્રમાણે રાખવામાં આવ્યું :

“હિંદી રાષ્ટ્રીય કૉંગ્રેસનું ધ્યેય હિંદી પ્રજાએ શાન્તિમય અને શુદ્ધ સાધનોથી સ્વરાજ્ય મેળવવું એ છે.”

પહેલાંનું ધ્યેય સામ્રાજ્યની છત્રછાયા નીચે વસાહતી સ્વરાજ્યનું હતું. જ્યારે આ નવા ધ્યેયમાં સામ્રાજ્યનો ઉલ્લેખ જ નથી. તેનો ખુલાસો સરદારે પોતાના તે વખતના એક ભાષણમાં નીચે પ્રમાણે કર્યો છે :

“કેટલાક કહે છે કે આપણે સામ્રાજ્યમાંથી છૂટા પડવા માગીએ છીએ. હિંદુસ્તાન સામ્રાજ્યમાં રહેશે કે છૂટું પડશે તેનો આધાર અંગ્રેજોની દાનત અને કૃત્યો ઉપર છે. અત્યારનો આપણો નિશ્ચય તો એટલો છે કે સામ્રાજ્યમાં રહીને સંપૂર્ણ સ્વતંત્રતા ભોગવી શકીએ તો ભેગા રહેવું એ ઈચ્છવા યોગ્ય છે, પણ તેમ ન બની શકે તો જુદા પડીને પણ સ્વતંત્રતા મેળવવી એ એટલું જ ઇચ્છવા યોગ્ય છે. છતાં જો એવો વખત આવશે કે આપણે સામ્રાજ્યમાંથી છૂટા પડ્યે જ આરો છે તો એ સ્થિતિની જવાબદારી આપણા ઉપર તો નહીં જ હોય. એને માટે તે જવાબદાર અંગ્રેજ પ્રજા જ રહેશે.”

બંધારણના બીજા મહત્ત્વના મુદ્દા એ હતા કે ઉપરનું ધ્યેય કબૂલ રાખી તેના ઉપર સહી કરે અને કૉંગ્રેસની વાર્ષિક ફી ચાર આના આપે એવાં એકવીસ વર્ષની ઉંમરે પહોંચેલ સ્ત્રી કે પુરુષ કૉંગ્રેસનાં સભાસદ થઈ શકે. કૉંગ્રેસના પ્રતિનિધિઓ ચૂંટવાનો તેમને અધિકાર હતો. પચાસ હજારની વસ્તીવાળા પ્રદેશને એક પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર આપવામાં આવ્યો. એ રીતે કૉંગ્રેસના પ્રતિનિધિઓની સંખ્યા ૬,૦૦૦થી ૬,૫૦૦ સુધીની મુકરર થઈ. વળી ભાષાવાર પ્રદેશો પ્રમાણે પ્રાંતિક સમિતિઓ રચવામાં આવી. અને કૉંગ્રેસનું કામ આખું વર્ષ ચાલુ રાખવા માટે કૉંગ્રેસની મહાસમિતિ ઉપરાંત કેવળ પંદર સભ્યોની