લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સરદાર વલ્લભભાઈ


એ મૂંઝાઈ જ ગઈ. ચળવળની શરૂઆતમાં હિંદ સરકાર તરફથી બહાર પડેલી એક યાદીમાંથી નીચે થોડા ઉતારા આપું છું. તેનો ગર્ભિત અર્થ વાંચતાં સરકારની મૂંઝવણની ઝાંખી થાય છે :

"આ હિલચાલના મુખ્ય પ્રવર્તકોએ તો મક્કમપણે પોતાની પ્રતિજ્ઞાઓ જાહેર કરી છે કે તેમનો હેતુ હાલની સરકારનો નાશ કરવાનો, હિંદમાંની બ્રિટિશ રાજ્યસત્તાને જડમૂળથી ઉખેડી નાખવાનો છે. તેમણે પોતાના અનુયાયીઓને ખાતરી આપી છે કે જો તેઓ તેમનું કહ્યું કરશે તો એક વરસમાં હિંદ સ્વતંત્ર અને સ્વરાજ્ય ભોગવતું થઈ જશે. . . . સ્થિર રાજ્યતંત્ર અને બેદખલ સુલેહના જે લાભો એક સૈકા કરતાં વધુ વખતના શ્રમથી પ્રગતિ કરી કરીને હિંદે મેળવ્યા છે અને સુધારાની યોજનાને યોગે જેના વધુ મોટા લાભ હિંદ ઉઠાવવાની તૈયારીમાં છે તે, તેમ જ તેની આબાદી, તેની રાજદ્વારી પ્રગતિ — સર્વ કાંઈ હોમી દેવાની આ વાત છે.
"વધુમાં વધુ અનીતિમય તો એ છે કે દેશના યુવક વર્ગ ઉપર આ હિલચાલ કરનારાઓની તરાપ પડી છે. . . . આ હિલચાલના આગેવાનો ગૃહજીવનના પાયા ઢીલા પાડતાં અગર બાપદીકરા કે શિક્ષકવિદ્યાર્થી વચ્ચે અંટસ પડાવતાં બિલકુલ ખંચાતા નથી. . . . આ આગેવાનોના અવિશ્રાંત ઉદ્યમનું એવું પણ પરિણામ આવે કે ગમે તે વખતે રમખાણો ફાટી નીકળી ભયંકર રૂપ લે. આ આગેવાનો એક ગામથી બીજે ગામ ભટકે છે, ફિતૂરી ભાષણો કરે છે અને લોકોને ઉશ્કેરે છે. . . . આ ભય દૂર કરવાનું ઉત્તમ શસ્ત્ર ઠરેલ ચિત્તના અને વિનીત વિચારના માણસની અમલી મદદ તથા દિલસોજી છે. માટે જે કોઈને હિંદનું સાચું હિત હૈયે છે તે સર્વ લોકોએ એકઠા થઈ આ હિલચાલની સામા થવું જોઈએ તથા કાયદા અને સુલેહના અમલ માટે સંગઠિત યત્ન કરવા જોઈએ. . . . આવી મદદ આપનાર વર્ગની સરકાર સહાય માગે છે.”

સરકારની આવી અપીલ જોઈ અમદાવાદ શહેરના ‘મૉડરેટો’ અને સરકાર પક્ષના માણસોએ સ્થાનિક નેશનલ હોમરૂલ લીગ તરફથી ‘અસહકાર — તેનું કાર્ય, વિકાસ અને ક્ષય’ એ વિષય ઉપર એક જાહેર ભાષણ ગોઠવ્યું. આ સભામાં અસહકારીઓએ પણ સારી સંખ્યામાં હાજરી આપી અને સરદાર પણ તેમાં ગયા. દરેક શહેરમાં સરકારની સૂચનાથી આવી સભાઓ થતી અને તેમાં સારી પેઠે ગમ્મત પણ થતી. તેના નમૂના તરીકે તેની થોડીક વિગતો આપવાની લાલચ છોડી શકાતી નથી. રા○ બ○ રમણભાઈ પ્રમુખસ્થાન લેશે એવું જાહેર થયું હતું પણ તેમને આવતાં જરા મોડું થયું એટલે શ્રી મજમુદાર બૅરિસ્ટરને પ્રમુખસ્થાન આપ્યું. સભામાં કલેક્ટર સાહેબ, પોલીસખાતાના અમલદારો, મૅજિસ્ટ્રેટો, મામલતદાર તથા એ બધાની કચેરીના કારકુનોએ પણ ઠીક જગ્યા