પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સરદાર વલ્લભભાઈ

આજે લોકો કાપડની જેવી બૂમો પાડે છે તેવી બૂમ તે વખતે લોકોએ જરા પણ પાડી નથી. રેંટિયા ચાલવા શરૂ થયા હતા પણ ખાદીની ઉત્પત્તિ કાંઈ વધારે થવા માંડી નહોતી. સરદાર પોતાના ભાષણમાં રેંટિયાની વાત કરતા તેની સાથે ખાસ ભાર ઓછાં કપડાં વાપરવા પર, થીંગડાં મારીને પહેરવા પર, કોઈ પણ સંજોગોમાં નવું કાપડ ન ખરીદવા પર મૂકતા. ત્યાર પછી કાપડની હોળીઓ તો ઘણી થઈ તેમાં સરદાર પરદેશી ટોપીઓ બળાવવા ઉપર વિશેષ ઝોક રાખતા.

સરદારે ૧૯૨૧ના ઉનાળાથી ખાદી પહેરવા માંડી. તે અરસામાં જ ઘણું કરીને ઉમરેઠની એક સભામાં ગાંધીજીની પરદેશી કાપડ બાળવાની અપીલને પરિણામે હોળી થઈ તેમાં સરદારે પોતાના માથા ઉપર વિદેશી ટોપી હતી તે નાખી અને સભામાંથી ઘણાની ટોપીઓ બળાવી. એમનાં બીજાં કપડાં સ્વદેશી એટલે આપણા દેશની મિલનાં હતાં. પણ તે કાઢી નાખી તેઓ ખાદી ધારણ કરવાનો વિચાર કરી રહ્યા હતા. એટલામાં ગોધરામાં જિલ્લા કે તાલુકા પરિષદ હતી ત્યાં ગાંધીજીની સાથે જવાનું થયું. તે વખતે મહાદેવભાઈ અલ્લાહાબાદ હતા. એટલે ગુજરાતમાં ફરવાનું હોય ત્યારે હું ઘણી વાર ગાંધીજીની સાથે જતો. અમે સવારની ગાડીમાં નીકળવાના હતા. આગલી સાંજે સરદાર આશ્રમમાં આવ્યા હતા. ત્યાં મને કહ્યું કે, તારાં કપડાંમાં બે ધોતિયાં અને બે પહેરણ વધારે લેતો આવજે. ગોધરા પહોંચીને નાહ્યા પછી સરદારે ખાદીનાં ધોતિયું પહેરણ પહેર્યાં અને મિલનાં કપડાંને કાયમની તિલાંજલિ આપી. મણિબહેન અને ડાહ્યાભાઈએ તે પહેલાં ખાદી પહેરવા માંડેલી. મણિબહેનને ઘણી વાર થતું કે હજી બાપુ ખાદી કેમ પહેરતા નથી? પણ સરદાર સાથે તેઓ વાત પણ કરતાં નહીં ત્યાં આવો સવાલ તો પૂછે જ શી રીતે? વળી તે વખતે ખાદી ઠીક ઠીક જાડી મળતી. લાંબા પનાની તો બહુ જ થોડી મળતી. એટલે ધોતિયાં અને સાડીઓ, વચ્ચે સાંધો કરીને બનાવવા પડતાં. મણિબહેને સંકલ્પ કરેલો કે, મારા કાંતેલા સૂતરનાં બાપુ (સરદાર)ને માટે ધોતિયાં વણાવવાં. પણ કાંતતાં નવું નવું શીખેલાં એટલે લગભગ દોઢ વર્ષે ૧૯૨૩ની શરૂઆતમાં સંકલ્પ પાર પાડી શક્યાં. ત્યાર પછી થોડાં વર્ષ સુધી મોટે ભાગે અને ૧૯૨૭ પછી પૂરેપૂરી મણિબહેનના કાંતેલા સૂતરની ખાદી સરદાર પહેરે છે.

દારૂના પીઠાં ઉપરની ચોકીમાં પોલીસ તરફથી અને પોલીસની હૂંફથી પીઠાંવાળાઓ તરફથી સતામણી થવા લાગી. અમદાવાદના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટે ડિસ્ટ્રિક્ટ પોલીસ ઍક્ટની કલમ ૪૮ (૧) અ મુજબ હુકમ કાઢ્યો કે ચોકી કરનારા સ્વયંસેવકોની સંખ્યા પીઠા દીઠ પોલીસ મુકરર કરે તેટલી જ હોવી જોઈએ