પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
સરદાર વલ્લભભાઈ


હજી કેળવણી ખાતાનો વિચાર મ્યુનિસિપાલિટીને વધુ ચકાસી જોવાનો હતો, એટલે એણે ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર પાસે તા. ૧૧-૬–’ર૧ના રોજ મ્યુનિસિપાલિટીના પ્રમુખ ઉપર કાગળ લખાવ્યો કે, શહેરની મ્યુનિસિપલ શાળાઓનું નિરીક્ષણ આવતા મહિનામાં હું અને મારા મદદનીશો કરવા આવવાના છીએ તેનો કાર્યક્રમ આ સાથે મોકલું છું. અને તેની મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકોને ખબર આપશો. આમાં યુક્તિ એ હતી કે શાળાના શિક્ષકોને ખબર આપવાની વિનંતી સ્કૂલ્સ કમિટીના ચૅરમૅનને ન કરતાં સીધી મ્યુનિસિપાલિટીના પ્રમુખને કરી હતી. પ્રમુખે કાગળ સ્કૂલ્સ કમિટીના ચેરમેન તરફ રવાના કર્યો. તેમણે એના ઉપર કમિટીમાં ઠરાવ કરાવીને ડેપ્યુટી એજ્યુકેશનલ ઈસ્પેકટરને તા. ૨૯-૬-’૨૧ના રોજ કાગળ લખીને જણાવ્યું કે, અમારી નીતિ અમે ચોક્કસ ઠરાવી દીધી છે અને તેની તમારા ખાતાને સ્પષ્ટ જાણ પણ કરી છે. છતાં તમે નિરીક્ષણ માટે આવવાનું પ્રમુખ સાહેબને લખો છો તેથી મને આશ્ચર્ય થાય છે. અમે તમને નિરીક્ષણ કરવા દેવાના નથી એ જાણશો. આની સાથે જ શિક્ષકોને સર્ક્યુલરથી ખબર આપી કે:

“સરકારી અધિકારીઓ પૈકી કોઈ તમારી શાળાનું ઇન્સ્પેકશન કરવા આવે તો તેને ઇન્સ્પેક્શન કરવા દેવું નહીં, છતાં એ આગ્રહ કરે તો તમારે શાળા બંધ કરી સ્કૂલ્સ કમિટીના ચૅરમૅનને તાત્કાલિક રિપોર્ટ કરવો.”

આમ છતાં એક આસિસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટરને સરસપુરની શાળામાં નિરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. શાળાના મહેતાજીએ નિરીક્ષણ ન કરવા દીધું અને સ્કૂલ્સ કમિટીના ચૅરમૅન શ્રી બલુભાઈને ખબર આપી. તેઓ શાળામાં ગયા અને પેલા ભાઈને કાગળ લખીને આપ્યો કે:

“હું દિલગીર છું કે અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઠરાવની રૂએ હું આપને શાળાનું ઇન્સ્પેકશન કરવા દઈ શક્તો નથી. મ્યુનિસિપાલિટીનો નિર્ણય લેખી શબ્દોમાં પોતાની પાસે હોવા છતાં મહે○ એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબે આપને અત્રે આવવાની ફરજ પાડી છે એ જોઈ હું દિલગીર થાઉં છું. મારી વિશેષ દિલગીરી તો એ માટે છે કે શિષ્ટાચારનો ભંગ થાય અને શિક્ષકો તેમ જ અધિકારીઓની પ્રતિષ્ઠા જનસમાજમાં હલકી પડે તેવો માર્ગ ગ્રહણ કરવાનો હુકમ ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટર સાહેબ જેવા જવાબદાર અધિકારી તરફથી કરવામાં આવ્યા છે.”

આ બનાવ બન્યા પછી તરત એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને કાગળ લખીને જણાવ્યું કે, અમે સરકારના કેળવણી ખાતા સાથે કશો સંબંધ રાખવા માગતા નથી. માટે તમારા સઘળા શિક્ષકોને તમારે પાછા બોલાવી લેવા. શિક્ષકોની સંખ્યા ત્રણસો ઉપરની હતી. તેમને પાછા બોલાવી લે તો ક્યાં કામ આપવું એ