પૃષ્ઠ:Sardar Vallabhbhai Part I.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
અમદાવાદની કૉંગ્રેસ - ૧૯૨૧


આ કૉગ્રેસ સારી પેઠે ગરમાગરમ વાતાવરણમાં ભરાઈ હતી. એથી વધુ ગરમ વાતાવરણમાં એ વિખરાઈ એ વિષે ગાંધીજીએ ‘નવજીવન’માં લખ્યું :

"ગુજરાતે શોભાવ્યું એમ કહી શકાય. સાડાત્રણ લાખ રૂપિયાની ખાદીના તંબુ તાણ્યા, મંડપ બનાવ્યા, વીજળીની બત્તીઓ કરી, સુંદર પ્રદર્શન ભર્યું, ભજનકીર્તન કર્યા, હિંદુસ્તાનના સંગીતનો મહિમા બતાવ્યો, હિંદુ મુસલમાન સાથે જ ઘર કરી રહ્યા, કોઈએ એક શબ્દ ઊંચે સાદે એકબીજાને ન કહ્યો. ગુજરાતની બાળાઓ સ્વયંસેવિકાઓ બની, ગુજરાતના જુવાનો એ ભંગીનું પણ કામ કરીને પ્રતિનિધિઓની સેવા કરી, ઓરતોની જંગી સભા થઈ, વ્યાખ્યાનો થયાં; મહાસભાના મંડપમાં કરકસરના નિયમો જાળવી સૌ કોઈ જોઈતું જ બોલ્યા. લાંબાં ભાષણ કોઈએ ન કર્યા, ને સરકારે શરૂ કરેલી દમનનીતિનો જવાબ આપનારો, સરકારને ચમકાવનારો, સચોટ પણ મર્યાદામય ઠરાવ પસાર કર્યો.”

એ ઠરાવને અનુસરી સામુદાયિક સત્યાગ્રહ માટે બારડોલી તાલુકાને પસંદ કરવામાં આવ્યો.

જ્યાં કૉંગ્રેસનો મંડપ બાંધવામાં આવ્યો હતો તે જગ્યા સરકાર મારફતે મેળવીને (એક્વાયર કરાવીને) ત્યાં ગોખલેના ભારત સેવક સમાજ જેવો ગુજરાત સેવક સમાજ સ્થાપી તેનાં મકાનો બાંધવાં એવી સરદારની ઈચ્છા હતી. પણ તેની કિંમત પાંચ લાખ રૂપિયા માગવામાં આવી. સરદાર ચાર લાખ રૂપિયા આપવા સુધી તૈયાર થયા હતા, પણ એ વાત પડી ભાંગી. પછી ભાવ ઊતરી જવાથી એ જમીન મ્યુનિસિપાલિટીને દોઢ લાખ રૂપિયામાં મળી. અને આજે ત્યાં શેઠ વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલનાં મકાનો છે. હૉસ્પિટલના મુખ્ય મકાનની સામે જે ફુવારો છે તે તો કોંગ્રેસના વખતનો જ છે. આ કૉંગ્રેસનું તમામ ખર્ચ જતાં જે પૈસા બચ્યા તેમાંથી અમદાવાદનું કૉંગ્રેસ હાઉસ બાંધવામાં આવ્યું છે.